સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલી ફાઈટ જોવા મળી છે, ભાજપ જાણે આ ફાઈટથી ઘણું જ દુર રહી ગયું હોય તેવું સામે આવ્યું છે. કોંગ્રેસે આ વખતે અમદાવાદમાં પોતાના કાર્યાલય બહાર રાખેલી પરિવર્તનની ઘડિયાળને કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા તોડી નાખવામાં આવી છે. ગુજરાતના ઈતિહાસમાં લગભગ આવું પહેલી વખત થયું છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની એટલી પણ બેઠક નથી કે તે વિપક્ષ તરીકે વિધાનસભામાં બેસી શકે. વિપક્ષમાં બેસવા નીયમ પ્રમાણે 10 ટકા બેઠક મેળવવી અનિવાર્ય છે. પરંતુ કોંગ્રેસ તે પણ મેળવી શકી નથી. આ તરફ આમ આદમી પાર્ટીને પણ ગુજરાતમાં સરકાર રચવાના દાવાઓ વચ્ચે વેઢે ગણાય એટલી બેઠકો મેળવીનેસંતોષ માનવો પડ્યો છે. જાણિતા ચહેરાઓ પર મુકેલો વિશ્વાસ પાર્ટીને આ વખતે ભારે પડી ગયો છે. ગોપાલ ઈટાલિયાએ હાર પછી મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
અમે નવી પાર્ટી છીએ, નાની પાર્ટી છીએઃ ગોપાલ
ગોપાલ ઈટાલિયાએ કતારગામ બેઠક હારી છે. પોતે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે તે સાથે જ તેમની જીત પર પાર્ટીને ઘણી આશાઓ હતી. જોકે તેવું બન્યું નથી તો હવે આવો જાણીએ તેઓ શું કહે છે. ગોપાલ ઈટાલિયા કહે છે કે, જેમણે પણ આમ આદમી પાર્ટી પર થોડો પણ ભરોસો મુક્યો છે, દિલમાં થોડી પણ જગ્યા આપી છે તે તમામ મતદારોનો હું આભાર માનું છું. માત્ર અમે નવી પાર્ટી છીએ, નાની પાર્ટી છીએ, પૈસા નથી તેથી કદાચ અમે જે લક્ષ્ય રાખ્યું હતું તે લક્ષ્ય પર નથી પહોંચી શક્યા પરંતુ આવતા પાંચ વર્ષમાં સંગઠનને વધુ મજબુત કરીશું. ગુજરાતની જનતાએ આ વખતે જેટલા મત આપ્યા છે તેના કરતાં ચાર ગણા મત 2027માં આપશે. હું મારી જીવનની પહેલી ચૂંટણી લડ્યો, મજા એ વાતની છે કે જે પોતાના જીવનની ચાર ચાર ચૂંટણીઓ જીતીને બેઠા છે તેમને પણ એક સમયે એવું લાગ્યું હોય કે શું થશે તો તે અમારી જીત છે.
ઈતિહાસનું પુનરાવર્તન છેઃ ઈટાલિયા
તેમણે કહ્યું કે, ગુજરાતમાં 40 લાખ મત પાર્ટીને મળ્યા છે તે સારી વાત છે. ભાજપને ફાયદો થયો તે બાબતે તેમણે કહ્યું કે, કોંગ્રેસ તો દર વખત કોઈના પર દોષનો ટોપલો ઢોળે છે, અગાઉ ઈવીએમ પર ઢોળતી હતી. આ વખતે અમારા પર ઢોળી રહ્યા છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે અમને 13 ટકા અને કોંગ્રેસને 26 ટકા મત મળ્યા છે. અમે તો પહેલી જ વખત ભાજપના ગઢ કહેવાય ત્યાં 40 લાખ મત મેળવ્યા છે, આ અમારા સંઘર્ષની ઉપલબ્ધી છે. આ ઈતિહાસનું પુનરાવર્તન છે, રાષ્ટ્રીય પાર્ટી બની છે.
ADVERTISEMENT