Ahmedabad Cyber Crime News: ભારત હવે ડિજિટલ ઈન્ડિયા બની રહ્યું છે. ભારત ભલે કોમ્પ્યૂટર અને ટેક્નોલોજીનાં ઉપયોગમાં બે-ત્રણ દાયકા પાછળ રહ્યું હતું. પરંતુ, હવે ડિજિટલ દુનિયામાં ભારતે મોટો કૂદકો માર્યો છે. ઓનલાઇન વેપાર, ઈ-કોમર્સ, ઓનલાઈન શિક્ષણ, ઈ-ગવર્નન્સ અને ખાસ કરી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતનું બેન્કિંગ ક્ષેત્ર અન્ય દેશો કરતા મજબૂત છે અને મહત્તમ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. વર્તમાન ડિજિટલ યુગની સૌથી મોટી પડકાર જનક આડ પેદાશ સાઈબર ગુનાઓ અને ફ્રોડ વધી રહ્યા તે છે. ડિજીટલાઈઝેશન વધતા દેશમાં સાયબર ઠગો સુપર એક્ટિવ બની ગયા છે. તેઓ લોકોને અને કંપનીઓને ચૂનો લગાડવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. ત્યારે હાલ આવો જ એક બનાવ અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં બે પિતરાઈ ભાઈઓએ જિઓ માર્ટ (JIO MART) એપ્લિકેશનમાં ઓનલાઈન ઓર્ડર કેન્સલ કરીને રૂ.2 કરોડના ગોલ્ડ કોઈન ખરીદ્યા. માસ્ટર માઈન્ડ આરોપીઓએ ચતુરાઈપૂર્વક પ્લાન ઘડીને ઠગાઈનો પ્લાન રચ્યો હતો અને પૈસા પડાવ્યા હતા. જોકે, આખુ રેકેટ સામે આવ્યા બાદ પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
ભેજાબાજોએ બનાવ્યો માસ્ટર પ્લાન
આ આખા રેકેટ વિશે વાત કરીએ તો આ ઠગો જિયો માર્ટ એપ્લિકેશન પરથી ઓનલાઈન ઓર્ડર કરતા, જેમાં તેઓ કેશ ઓન ડિલિવરી અથવા બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરતા હતા. ઓર્ડર માટે તેઓ ખોટું સરનામું આપતા હતા. જોકે, ડિલિવરી થાય તે પહેલા જ ઓર્ડર કેન્સલ કરી નાખતા હતા. જેથી તેઓને તેમના પૈસા પરત મળી જતા હતા અને બેંક તરફથી રિવોર્ડ પોઈન્ટ પણ મળતા હતા. આ પોઈન્ટના રૂપિયાથી તેઓ વેબસાઈટથી ગોલ્ડ કોઈન ખરીદી લેતા હતા.
1.04 કરોડની આચરી ઠગાઈ!
આરોપી અમિતકુમાર કારીયા અને ભાવિન જીવાણીએ અત્યાર સુધીમાં લગભગ 104 કરોડથી વધુના જિયો માર્ટ એપ્લિકેશનથી ઓર્ડર કેન્સલ કરીને કંપની સાથે રૂ.1.04 કરોડની ઠગાઈ આચરી હતી. હાલ અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે બંનેની ઝડપી પાડી આરોપીઓ પાસેથી જુદી-જુદી કંપનીના 36 સીમકાર્ડ, 12 મોબાઈલ, લેપટોપ, રાઉટર સહિત કુલ રૂ.43 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
અમિતે બનાવ્યો હતો પ્લાન
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી અમિતે બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો હતો, જ્યારે આરોપી ભાવિન એમ.કોમ. સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. બંને છેલ્લા 8 મહિનાથી આ ગુનાહિત પ્રવૃતિ કરતા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. મુખ્ય આરોપી અમિત ક્રેડિટ કાર્ડમાં અગાઉ નોકરી કરતો હોવાથી તે તમામ બાબતોનો જાણકાર હતો. તેથી તેણે જ આ પ્લાન બનાવ્યો હતો.
ADVERTISEMENT