શાર્દુલ ગજ્જર/ગોધરા: શનિવારે સવારથી જ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે વરસાદ શરૂ થયા બાદ અનેક તાલુકાઓ પાણી-પાણી થઈ ગયા છે. આ વચ્ચે ગોધરામાં ચાર કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તો અનેક નીચાણવાળા વિસ્તારો જળભરાવના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ADVERTISEMENT
લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા
ગોધરામાં છેલ્લા બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં કાસુડી રેલ્વે અંડર પાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જળ ભરાવને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો જાફરાબાદ ગોવિંદી ચંચોપા તરફ જવા માટેના મુખ્ય રેલ્વે અંડરપાસમાં પણ પાણી ભરાયા હતા. કરોડોના ખર્ચે થોડા સમય પહેલા જ આ રેલવે અંડર પાસ નિર્માણ પામ્યો છે. બીજી તરફ શહેરની અનેક સોસાયટીઓમાં લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા. 4 ઈંચના વરસાદે નગરપાલિકાની પોલ ખોલી નાખી છે અનેક વિસ્તારોમાં ઠેર પાણી ભરાયા છે.
છેલ્લા 4 કલાકમાં પંચામહાલમાં નોંધાયેલો વરસાદ
ગોધરા 4 ઈંચ
હાલોલ 2 ઈંચ
કાલોલ 2 ઈંચ
ઘોઘંબા પોણા બે ઈંચ
જાંબુઘોડા અડધો ઈંચ
MGVCLની બેદરકારીથી બે પશુઓના મોત
ગોધરાની આશીર્વાદ સોસાયટીમાં વીજ કરંટ લાગવાના કારણે બે પશુઓના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે MGVCLની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી છે. ભરચક વિસ્તાર છતા TC ફરતે બરિકેટ કરવામાં નથી આવ્યા અને વીજ પોલનાં જીવત વીજ વાયર જોખમી રીતે ખુલ્લા નજરે પડી રહ્યા છે.
ADVERTISEMENT