ગોધરાઃ ઝાલોદ તાલુકાના મુણધા ગામે નજીવી બાબતમાં ઝઘડો ગંભીર સ્વરૂપે પહોંચી ગયો છે. શનિવારે બનેલી આ ઘટનામાં મારામારી થઈ ગઈ હતી જેમાં બે વ્યક્તિના જીવ ગયા છે જ્યારે હજુ પણ પાંચ વ્યક્તિ ગંભીર હાલતમાં છે. ઘટનામાં ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ડિવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ઘટનાનો તાગ લઈને પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે અને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
પોલીસ ફરિયાદ કરવા છતાં એક્શન નહીં લીધાનો આક્ષેપ
ઝાલોદના મણુધા ગામે નાનકડી બાબતે લોહીયાળ જંગ જેવો માહોલ ઊભો કરી દીધો છે. ગામના ભાભોર વિનોદ લંબુ કહે છે કે, ઉધારીના રૂપિયા ન આપવા મામલે વિજય અને અરવિંદ નામના બે શખ્સોએ અમે જ્યારે ઘરે આવતા હતા ત્યારે રોક્યા. અમને ફળિયામાં આવીને પણ 30-35 લોકોના ટોળાએ માર માર્યો છે. મહિલાઓ અને પુરુષોના આ ટોળાએ અમારા પર હુમલો કર્યો. અગાઉ પણ તેઓ અમને હેરાન કરતા હતા જે મામલે અમે પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે પોલીસે એક્શન લીધા ન હતા. રોજ સાંજે મારવા આવતા હતા. લીંમડી પોલીસ મથકે અમે ફરિયાદ કરી હતી. છતા માર મારતા હતા. અમારા બે વ્યક્તિ મરી ગયા છે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત છે બીજી કેટલીક મહિલાઓને પણ ઈજાઓ થઈ છે.
(વીથ ઈનપુટઃ શારદુલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT