સુરત: સુરત શહેરમાં રખડતા કૂતરાઓના બચકા ભરવાના વધી રહેલા બનાવો વચ્ચે એક 18 વર્ષની યુવતીએ હડકવાના કારણે જીવ ગુમાવ્યો છે. 6 મહિના પહેલા યુવતીને કૂતરાએ બચકા ભર્યા હતા. બાદમાં એક ઈન્જેક્શન લઈને બાકીની સારવાર નહોતી કરાવી જે બાદ 6 મહિને યુવતી અચાનક વિચિત્ર હરકત કરવા લાગી. પરિવાર પહેલા હોસ્પિટલ લઈ ગયો બાદમાં ત્યાંથી ભુવા પાસે લઈ ગયો, પરંતુ ભૂવાએ પણ હાથ અધ્ધર કરી દેતા આખરે યુવતીએ દમ તોડી દીધો હતો.
ADVERTISEMENT
વિગતો મુજબ, સુરતના રાંદેરમાં ભાગળ શાક માર્કેટ પાસે રહેતી 18 વર્ષની જ્યોતિને 6 મહિના પહેલા કૂતરાએ બચકા ભર્યા હતા. જેથી સ્મીમેર હોસ્પિટલમાં તેનું ઈન્જેક્શન લીધું હતું. જોકે પહેલું ઈન્જેક્શન લીધા બાદ અન્ય ચાર ઈન્જેક્શન લીધા નહોતા. બે દિવસ પહેલા જ્યોતિની તબિયત ખરાબ થઈ અને તે વિચિત્ર હરકત કરવા લાગી. પાણી અને અજવાળુ જોઈને ગભરાતી હતી. એવામાં પરિવાર તેને સારવાર માટે નવી સિવિલ લઈને પહોંચ્યો જ્યાં તેને હડકવાની અસર દેખાઈ.
જોકે બે દિવસની સારવાર બાદ પરિવાર જ્યોતિને ડોક્ટરની સલાહ વિરુદ્ધ રજા લઈને ઘરે લઈ ગયો. બાદમાં ભુવાને બોલાવીને તેમણે વિધી કરાવી હતી. જોકે ભુવાએ પણ જ્યોતિની હાલત જોઈને અસમર્થતા દર્શાવી હતી. આથી તેને બાંધી દેવાઈ હતી. બીજા દિવસે સવારે જ્યોતિનું મોત થઈ ગયું હતું. આમ અંધશ્રદ્ધાના કારણે પરિવારે જ્યોતિની સારવાર અધૂરી છોડાવીને લઈ જતા તેનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT