જામનગર: જામનગરમાં તમાચણ ગામમાં આવેલા ખુલ્લા બોરવેલમાં અઢી વર્ષની બાળકી પડી જતા ફસાઈ ગઈ હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક રેસ્ક્યૂ કરવા માટે દોડી હતી. બાળકીને બચાવવા માટે દોઢ કલાકથી વધુ સમયથી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT
બાળકીને બચાવવા માટે ફાયરની ટીમ રેસ્ક્યૂ અભિયાનમાં જોડાઈ
વિગતો મુજબ, જામનગર જિલ્લાના તમાચણ ગામમાં અઢી વર્ષની બાળકી 30થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ હતી. આથી આસપાસના લોકો તેમજ ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. હાલમાં બાળકીને સહી સલામત બહાર કાઢવા માટેના પ્રયાસો ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ 108ની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે, જેથી બાળકીને બહાર કાઢ્યા બાદ સારવારની જરૂર પડે તો આપી શકાય.
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી બાળકીના માતા-પિતા 15 દિવસ પહેલા જ જામનગરમાં મજુરી કામ માટે આવ્યા હતા. દંપતીને 2 સંતાનો છે, જેમાં મોટી દીકરી રોશની અઢી વર્ષની છે, જ્યારે એક 6 મહિનાનું બાળક છે.
(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર)
ADVERTISEMENT