Gir Somnath News: ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદ રાજેશ ચુડાસમા સહિત 8 લોકો વિરુદ્ધ પોલીસમાં અરજી આપતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અરજીમાં પોતાનો જીવ જોખમમાં હોવાનો ઉલ્લેખ હોવાનું જણાવ્યું છે. તેમણે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગીર સોમનાથના સાંસદ અને તેમના પરિવારના 8 સભ્યો સામે અરજી આપી છે. આ સાથે જ તેમણે આ અરજીની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિપક્ષ નેતા અમિત ચાવડાને મોકલી હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
‘મોહનભાઈએ મને આપી ભૂંડી ગાળો’
તેમણે અરજીમાં લખ્યું છે કે, સાહેબ ગઈ તારીખ 3-11-2023 આ કામના સાહેદ ગોવિંદભાઈ કરશનભાઈ રાઠોડે મને રૂબરૂ મળીને એમના ફોનમાંથી મારા ફોનમાં ઓડિયો મોકલીને સંભડાવેલ અને જણાવેલ કે મોહન રામા ચુડાસમાએ મને ફોન કરીને તમને જેમ ફાવે તેમ બીભસ્ત ભૂંડી ગાળો આપી હતી. જે ગાળો હું આ ફરિયાદમાં વર્ણન તથા અક્ષરમાં લખી શકું તેમ નથી. જેમાં આ કામના સાહેદના મોબાઈલમાં મને ભૂંડી ગાળો આપી ફોન ઉપર ધાક-ધમકી આપી ગુનો કરેલ છે.
મારા પર કરી શકે છે ખૂની હુમલોઃ ધારાસભ્ય
આજે આવા ખરાબ શબ્દોમાં ભૂંડી ગાળો આપી ધાક-ધમકી આપી છે, તો કાલે અથવા ભવિષ્યમાં મારા ઉપર તથા મારા પરિવાર ઉપર ખૂની હુમલો કરી મારા તથા મારા પરિવારની જાનને પૂરેપૂરું જોખમ છે. તેમજ આ કામના સામાવાળાના સગા ભત્રીજા જૂનાગઢ-ગીર સોમનાથના સાંસદ સભ્ય છે.
સાંસદ અને પરિવારના 8 સભ્યો સામે અરજી કરી
તેમણે અરજીમાં લખ્યું છે કે, મારા ઉપર તથા મારા પરિવાર ઉપર તેમના ઘરના સભ્યો જેમાં (1) મોહન રામાભાઈ ચુડાસમા તથા તેમનો દીકરો (2) નયન મોહનભાઈ ચુડાસમા મોટાભાઈ (3) નારણભાઈ રામભાઈ ચુડાસમા તથા તેમનો દીકરો (4) રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા સાંસદ તેમનો બીજો દીકરો (5) હરીશ નારાણભાઈ ચુડાસમા તેમના બીજા મોટાભાઈ (6) હીરાભાઈ રામાભાઈ ચુડાસમા તેમનો મોટો દીકરો (7) ભરત હીરાભાઈ ચુડાસમા તથા તેમનો નાનો દીકરો (8) કેતન હિરાભાઈ ચુડાસમા તથા બારી રહેતા તેમના તમામ પરિવારના સદસ્યોએ મારા ઉપર તથા મારા પરિવાર ઉપર ખૂની હુમલો કરી મારા તથા મારા પરિવારની જાન લેશે અથવા અકસ્માત રીતે હુમલો કે જાનહાનિ કરશે તથા ખૂની હુમલો કરશે તો તેની તમામ જવાબદારી આ પરિવારની રહેશે.
ADVERTISEMENT