Ambaji News: અંબાજી ખાતે હાલમાં જ ભાદરવી પૂનમના મેળામાં 40 લાખથી વધુ માઈ ભક્તો મા અંબાના દર્શન માટે આવ્યા હતા. શક્તિપીઠ મા અંબાના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદમાં મોહનથાળ આપવામાં આવે છે. આ મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે વાપરવામાં આવતું ચોખ્ખું ઘી ભેળસેળ વાળું હોવાનું સામે આવ્યું છે. ફૂડ વિભાગે અંબાજીમાંથી લીધેલા ઘીના સેમ્પલ ફેલ થયા છે.
ADVERTISEMENT
મોહિની કેટરર્સ પાસે પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ
અંબાજી મંદિર ખાતે મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને આપવામાં આવેલો છે. ફૂડ વિભાગ દ્વારા ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે ઘીના સેમ્પલ લીધા હતા. જેમાં હવે ઘીનું સેમ્પલ ફેલ આવ્યું છે. પ્રસાદ માટે વપરાતા ઘીમાં ભેળસેળ મળી આવી હતી. ફૂડ વિભાગે જે તે સમયે 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. ત્યારે પ્રસાદના મોહનથાળમાં ભેળસેળ આવતા એજન્સી સામે નિયમોનુસાર કાર્યવાહી થાય છે કે કેમ તે ખાસ જોવાનું રહેશે.
28 ઓગસ્ટે ઘીના સેમ્પલ લેવાયા હતા
આ અંગે બનાસકાંઠાના કલેક્ટરે જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. એટલે પ્રસાદ માટે મહિના અગાઉથી ઘીનો જથ્થો સ્ટોર કરી રખાય છે. એજન્સી દ્વારા ઘી સ્ટોર કરાયું ત્યારે તેમાંથી 28 ઓગસ્ટના રોજ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનું પરિણામ 15 સપ્ટેમ્બરે આવ્યું હતું. ઘીમાં ભેળસેળ મળતા ઘીનો જથ્થો ઉપયોગ કરવા દેવાયો નહોતો. બનાસ ડેરીમાંથી ઘીની વ્યવસ્થા કરીને સારી ગુણવત્તાના ઘીમાં પ્રસાદ બનાવાયો હતો. ક્વોલિટી કન્ટ્રોલ માટે જિલ્લા પુરવઠા અધિકારીની આખી ટીમને ત્યાં બેસાડવામાં આવી હતી. જેમની દેખરેખ હેઠળ પ્રસાદ બન્યો હતો. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમના નિયમ મુજબ કાર્યવાહી કરશે. મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ 30 તારીખ પતી ગયો છે જે રિન્યૂ કરવામાં આવ્યો નથી.
(શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT