ગાંધીનગરમાં બેફામ કાર ચાલકે શ્રમજીવી મહિલાને કચડી, કારમાંથી પોલીસની નેમ પ્લેટ-દારૂની બોટલ મળી

દુર્ગેશ મહેતા/ગાંધીનગર: ગાંધીનગર શહેરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી નજીક મોડી રાત્રે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ઘટનામાં કાર રોડ પરથી ડિવાઈડર કૂદીને તાર ફેન્સીંગ તોડીને રોડ…

gujarattak
follow google news

દુર્ગેશ મહેતા/ગાંધીનગર: ગાંધીનગર શહેરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી નજીક મોડી રાત્રે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ઘટનામાં કાર રોડ પરથી ડિવાઈડર કૂદીને તાર ફેન્સીંગ તોડીને રોડ પર રહેતા શ્રમજીવી પર ચડી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ગાંધીનગર સેક્ટર સાત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકો અનુસાર કાર ચાલક નશામાં ધૂત હતો. જોકે સદનસીબે વધુ લોકોને ઈજા થઈ નહોતી.

ઘટનાની વિગતો મુજબ, ગાંધીનગરના ઘ-રોડ પર પૂરપાટ ઝડપે દોડતી કારે ફેન્સીંગ તોડીને રોડ પર રહેતા શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. જેમાં મહિલાને કારની ટક્કર વાગી હતી. ઈજાગ્રસ્ત મહિલાનો દીકરો પરીક્ષાની તૈયારી કરે છે અને માતા-પિતા મજૂરી કરીને દીકરીને પૈસા આપીને ભણાવે છે. ઘટના સમયે પરિવાર મજૂરી પરથી પરત ફર્યો હતો અને જમવાનું બનાવી રહ્યો હતો. તે જ સમયે બેફામ કાર આવી અને મહિલાને ટક્કર મારી હતી. કારમાંથી પોલીસ લખેલી નેમ પ્લેટ પણ મળી આવી છે.

આરોપી મામાની કાર લઈને નીકળ્યો હતો
હાલમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે DySP, PI તથા PSI સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. તો અકસ્માત સર્જનારનું નામ દિલેર પરમાર હોવાનું સામે આવ્યું છે. આરોપી દિલેર પરમાર ગાંધીનગરમાં અભ્યાસ કરે છે અને પોતાની મામાની પોલીસ લખેલી કાર લઈને નીકળ્યો હતો. આરોપીના મામાનું નામ મહેન્દ્ર બુબણીયા છે અને તે અમદાવાદ SRP ગ્રુપમાં નોકરી કરે છે.

કારમાંથી દારૂની બોટલ મળી
સ્થાનિક લોકોના કહેવા મુજબ આરોપી નશામાં હતો. અકસ્માત સર્જ્યા બાદ કાર ઝાડ સાથે ટકરાઈ હતી અને બોનેટના આગળના ભાગને પણ નુકસાન થયું હતું. પોલીસને આરોપી પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. ઘટના બાદ આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

    follow whatsapp