Gandhinagar News: ગાંધીનગરના માણસા તાલુકામાં દલિત યુવકનો વરઘોડો કાઢવા મામલે ગામના એક સમાજના કેટલાક યુવકોએ હોબાળો મચાવ્યો હતો. વરરાજાને વરઘોડા પરથી નીચે ઉતારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાતિસૂચક શબ્દો પણ 3 જેટલા યુવકોએ કહ્યા હતા. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ADVERTISEMENT
ઘોડા પર જાન આવતા ગામના યુવકોનો વિરોધ
કલોલના યુવકના ગાંધીનગરના માણસા તાલુકામાં આવેસા ચડાસણા ગામની યુવતી સાથે લગ્ન નક્કી કર્યા હતા. જેને લઈને પરિજનો તથા સંબંધીઓ જાન લઈને ગામમાં પહોંચ્યા હતા. આ બાદ ડીજે સાથે વરરાજાને ઘોડી પર બેસાડ્યા હતા. જાન દૂધની ડેરી પાસે પહોંચતા જ બાઈક પર એક યુવક આવ્યો અને વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારીને કહેવા લાગ્યો કે, તમને વરઘોડો કાઢવાના ગામના રિવાજની ખબર નથી? તમારે વરઘોડો કાઢવા અમારી પરમીશન લેવી પડે. ઘોડા ઉપર ઠાકોર જ બેસી શકે. તેમ કહીને જાતિ સૂચક શબ્દો કહીને અપશબ્દો કહ્યા હતા.
ઘોડી-DJ વાળાને પણ ગામમાંથી ભગાડી દીધા
આ બાદ અન્ય 3 જેટલા યુવકો પણ ત્યાં આવ્યા હતા અને ચારેય વ્યક્તિઓએ મળીને ગામમાંથી ઘોડી અને ડીજેવાળાને ધમકી આપીને ભગાડી દીધા હતા. અપશબ્દો બોલવાની ના પાડતા અજાણ્યા વ્યક્તિએ વરરાજાના કાકાના દીકરીને લાફો મારી દીધો હતો. વરરાજાને પ્રાઈવેટ કારમાં બેસીને લગ્ન સ્થળે લઈ જવાનો પ્રયાસ કરતા તેમાં પણ રોક્યા હતા અને અપશબ્દો બોલાવા લાગ્યા હતા. સંબંધીઓએ જ્યારે આ ઘટનાનો વીડિયો ઉતાર્યો તો તેમને પણ મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી. સમગ્ર મામલે માણસા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 4 વ્યક્તિઓ વિરુદ્ધ જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવાઈ હતી.
(ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)
ADVERTISEMENT