અમદાવાદ: ગુજરાતમાં વિદેશ જવાના વધતા ક્રેઝમાં છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. વિદેશની ઘેલછામાં જીવ ગુમાવવાના બનાવો સામે આવવા છતાં પણ લોકો વિદેશ જઈને ત્યાં સ્થાયી થવા માટે તત્પર થઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરના એક દંપતીએ કેનેડા જઈને ડોલરમાં કમાણી કરવાની લાલચે લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ગાંધીનગરના દંપતી સાથે છેતરપિંડી
ગાંધીનગરમાં સેક્ટર 25માં રહેતા દંપતિ કોસ્મેટિકનો બિઝનેસ કરે છે અને તેમણે કેનેડા જવાની ઈચ્છા હોવાથી વસ્ત્રાપુરમાં જે.બી ટાવરમાં આવેલા એરો હોલિડેનો સંપર્ક કર્યો હતો. જ્યાં ઓફિસમાં રહેલા સુમિત પટેલ ઉર્ફે આસિફ અબ્બાસ અજમેરી તથા રવી અને મયુર પટેલે તેમને વિઝા અપાવવાની ખાતરી આપી હતી અને વિઝા મળી જાય પછી જ રૂપિયા આપવાના તેમ કહીને પતિ-પત્નીને વિશ્વાસમાં લીધા હતા.
દિલ્હી લઈ જઈને વિઝાના સ્ટીકરવાળા પાસપોર્ટ બતાવ્યા
આ બાદ જરૂરી ડોક્યુમેન્ટ લઈને સુમિત અને રવી તેને દિલ્હી MFS ખાતે લઈ ગયા હતા. જ્યાં કેનેડા એમ્બેસીમાં તેમનું ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યું. બાદમાં સુમિતનો માણસ દંપતીના પાસપોર્ટ લઈને આવ્યો અને તેના પર કેનેડાના વિઝાના સ્ટીકર લાગેલા હતા અને તેને મુંબઈ આવીને પૈસા આપીને લઈ જવા માટે કહ્યું.
33 લાખ લઈને કોરા પાસપોર્ટ પાછા આપ્યા
બાદમાં સુમિત દંપતિ પાસેથી રૂ.27 લાખ લઈને આંગડિયા મારફતે મુંબઈ મોકલ્યા હતા અને 6 લાખ રોકડા લીધા હતા. આમ કુલ 33 લાખ રૂપિયા લીધા બાદ દંપતીને પાસપોર્ટ પાછો આપવામાં આવ્યો હતો. જોકે પાછા મળેલા પાસપોર્ટમાં કેનેડાના વિઝાના સ્કીટર જ નહોતા. બીજી તરફ આરોપીઓએ 33 લાખ પણ પરત ન આપતા દંપતીને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેમણે તમામ શખ્સો વિરુદ્ધ ક્રાઈમબ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT