અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના વલણને જોતા ભાજપ ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહી છે. આપ પોતાના દાવા અનુસાર 7-8 બેઠકો પર લીડ બનાવીને આગળ વધી રહી છે. જો કે સૌથી વધારે કોંગ્રેસને નુકસાન થઇ રહ્યું છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીની એન્ટ્રીના કારણે કોંગ્રેસને ખુબ જ મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘણીય એવી સીટો છે કે, જ્યાં કોંગ્રેસ અને આપનો સરવાળો કરીએ તો તે ભાજપના ઉમેદવારના ટોટલ કરતા અનેક ગણું વધારે છે. જો કે વોટશેર થઇ જવાના કારણે કોંગ્રેસના ઉમેદવારે હાર સહન કરવાનો વારો આવ્યો અને ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો છે. એટલે એક પ્રકારે ભાજપે ભાગલા પાડો અને રાજકરોની નીતિ અખતિયાર કરી તે સફળ રહી છે.
આપે ખુબ જ નુકસાન પહોંચાડ્યું છે. ગાંધીનગર કોર્પોરેશનની રચના થઇ ત્યારથી ક્યારે પણ ભાજપ જીતી શક્યું નહોતું. જો કે આમ આદમી પાર્ટીને એન્ટ્રી થતાની સાથે જ ભાજપ સીધુ જ ગાંધીનગરમાં સત્તામાં આવ્યું હતુ. આ જ પદ્ધતી સમગ્ર ગુજરાતમાં લાગુ પડી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસની મળતી લીડને આમ આદમી પાર્ટી કાપી નાખે છે અને જેનો સીધો જ ફાયદો ભાજપના ઉમેદવારને થાય છે.
જોકે પહેલા ચર્ચા હતી કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપને નુકશાન થશે. તો વળી ચૂંટણી ટાઈમે ભાજપ-કોંગ્રેસે આમ આદમી પાર્ટીને એકબીજાની બી ટીમ ગણાવી હતી. જોકે આ બધાની વચ્ચે હવે પરિણામને જોતાં આ તમામ વાતો ખોટી પડી હોવાનું સામે આવ્યું છે. હાલની સ્થિતિને જોતા ચુંટણી રિઝલ્ટના ટ્રેન્ડ્સ પ્રમાણે હવે આપને કારણે કોંગ્રેસને પારવાર નુકસાન થયું હોવાનું લાગી રહ્યું છે.
ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. જોકે ગુજરાતના ઇતિહાસ મુજબ રાજ્યમાં કોઈ ત્રીજો પક્ષ ચાલતો નથી. પણ આ વખતે તો ત્રીજા પક્ષના કારણે ઊલટાનું કોંગ્રેસને ભારે નુકશાન થઇ રહ્યું છે.
ADVERTISEMENT