દેશભરમાં આજે નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એકબીજાનું મો મીઠું કરાવીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2080ના આજથી શરુ થતાં નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરે જઈને પૂજા અર્ચનાથી કર્યો હતો.
ADVERTISEMENT
સીમંધર સ્વામીની કરી પૂજા
મુખ્યમંત્રી ત્યારબાદ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામી સહિતના દેવોની પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા અને પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
નાગરિકોને નૂતન વર્ષની પાઠવી શુભકામના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને નૂતન વર્ષની હ્રદય પૂર્વક શુભકામનાઓ આપતા કહ્યું હતું કે ‘આ નૂતન વર્ષ નવા સંકલ્પો નવી ઊર્જા નવી ચેતના સાથે સૌના સાથ સૌના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દેશને વિકાસની નવી ઉંચાઈઓ સર કરાવનારું બને તે માટે સૌ પ્રતિબદ્ધ થઈએ.’
નાગરિકોને કરી આ અપીલ
તેમણે વડાપ્રધાનની પ્રેરણથી નૂતન વર્ષ પછીના જ દિવસે 15 નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતીથી યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ બનાવવા પણ સૌ નાગરિકોને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ પંચદેવ મંદિર અને ત્રિમંદિર ખાતે ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
અધિકારીઓએ પાઠવી શુભકામનાઓ
આ તકે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટા બહેન, શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ અને પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર વાઘેલા , પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને અધિકારીઓએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ ત્યારબાદ મંત્રી મંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને નાગરિકો સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું.
ADVERTISEMENT