જાણિતા ડોક્ટર ગૌરવ ગાંધી સહુને રડાવી ગયાઃ અંતિમયાત્રામાં મોટી મેદની જોડાઈ

દર્શન ઠક્કર.જામનગરઃ વ્હેલી સવારે જામનગરના પેલેસ રોડ ખાતેના પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળેલા ખ્યાતનામ ડો. ગૌરવ ગાંધીને સઘન સારવાર અપાયા બાદ મૃત જાહેર કરાયા હતા.…

gujarattak
follow google news

દર્શન ઠક્કર.જામનગરઃ વ્હેલી સવારે જામનગરના પેલેસ રોડ ખાતેના પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળેલા ખ્યાતનામ ડો. ગૌરવ ગાંધીને સઘન સારવાર અપાયા બાદ મૃત જાહેર કરાયા હતા. કારર્કીદીમાં ૧૬ હજારથી વધુ હદયની સર્જરી કરનારા નિષ્ણાંત જ પોતાના હદયના ધબકારા સમજી ન શકયા અને તેમનું દુખદ અવસાન થયું હતું. વિધીની વક્રતા કે પછી ઓવર સ્ટ્રેસ જવાબદાર શું છે તે કહેવું હાલ મુશ્કેલ છે પરંતુ આજે તેમની અંતિમયાત્રા દરમિયાન લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. અંતિમ સંસ્કારમાં તબીબી જગત સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

પોસ્ટ મોર્ટમ થયું
જામનગરના વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો. ગૌરવ ગાંધીનું આજે વહેલી સવારે કાર્ડીયાક એરેસ્ટના કારણે નિધન થતાં તબીબી જગતમાં આઘાતની આંધી ફેલાઇ છે, હદય બંધ શું કામ પડી ગયું ? એ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, સાંજે સદગતની અંતિમયાત્રા નીકળી, તેઓ પોતાની પાછળ વૃઘ્ધ માતા-પિતા, પત્ની, બે સંતાન અને બહેન-બનેવીને વિલાપ કરતા છોડી ગયા છે, આ અહેવાલો સામે આવ્યા બાદ જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના હદયરોગના નિષ્ણાંતોમાં ભારે શોકની લાગણીની સાથે અનેક સવાલો પણ ઉઠયા છે. જેનો નક્કર જવાબ હાલની તકે કોઇની પાસે નથી કે આખરે એકાએક કાર્ડીયાક એરેસ્ટ શું કામ આવી રહ્યા છે.

રાત્રે ભોજન લઈને સુઈ ગયા પણ…
આ દુ:ખદ ઘટનાની મળતી માહિતી મુજબ જામનગર એસ.ટી. સ્ટેન્ડની સામે શારદા હોસ્પિટલ ખાતે સેવા આપતા ડો.ગૌરવ ગાંધી ગઇકાલ રાત સુધી રાબેતા મુજબ દર્દીઓની સારવાર આપવામાં વ્યસ્ત હતાં અને ત્યારબાદ રાત્રે પેલેસ રોડ ખાતે આવેલ સામ્રાજય એપાર્ટમેન્ટના ત્રીજા ફલોર પર પોતાના ઘરે પહોંચીને નિત્યક્રમ મુજબ ભોજન કરીને રાત્રે સુઇ ગયા હતા, વહેલી સવારે ૬ વાગ્યે તેઓ બેભાન હાલતમાં મળી આવતાં તાત્કાલીક સગા-સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતાં અને ૧૦૮ મારફત જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં હદયરોગના નિષ્ણાંત તબીબોએ બે કલાક સુધી સઘન સારવાર આપી હતી, પરંતુ ઘરેથી જ બેભાન હાલતમાં રહેલા ડો.ગૌરવ ગાંધીને બચાવી શકાયા ન હતા અને સારવાર બાદ એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ૧૯૮૨માં જન્મેલા ૪૧ વર્ષના ડો. ગૌરવ ગાંધી પોતાના કામમાં ખુબ જ ગંભીર હતા, કારર્કીદી દરમિયાન એમણે ૧૬ હજારથી વધુ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટીની હદયની સર્જરીઓ કરી હતી. આ કેવી વિધીની વક્રતા છે કે હજારો લોકોના હદયના ધબકારા પરથી જ હદયની ચાલ સમજી જનારા હદયરોગના નિષ્ણાંત ડો. ગૌરવ ગાંધી પોતાના હદયના ધબકારા કદાચ સમજી શકયા નહીં.

છેલ્લા સમયમાં પણ દર્દી અંગે કરી ચર્ચા
આમ તો કાર્ડીયાક એરેસ્ટના કારણે જ ડો. ગૌરવ ગાંધીનું નિધન થયું છે. છતાં સ્પષ્ટ કારણ જાણવા માટે જી.જી.હોસ્પિટલમાં પોર્સ્ટમોટમ કરવામાં આવ્યું છે. જેથી કરીને કાર્ડીયાક એરેસ્ટ સંબંધે વધુ સ્પષ્ટ કારણ જાણી શકાય. ગઇ રાત સુધી તદન નોર્મલ દેખાતા ડો. ગૌરવ ગાંધી સાથે જામનગરની સરકારી કોવીડ હોસ્પિટલના નોડલ ઓફીસર અને અધીક ડીન ડો. એસ.એસ. ચેટરજી દ્વારા સાંજે જ એક પેસેન્ટને લઇને વાતચીત કરવામાં આવી હતી, ત્યારે પણ ડો. ગૌરવ ગાંધી હંમેશની જેમ નોર્મલ હતા. આજે સવારે જયારે એમને કાર્ડીયાક એરેસ્ટ સંબંધે વિગતો બહાર આવતા જામનગર સહિત સૌરાષ્ટ્રભરના તબીબોમાં આઘાતની લાગણી ફેલાઇ છે, છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમતા-રમતા, લગ્નમાં ડાન્સ કરતા-કરતા, જીમ કરતા-કરતા, ઓફીસમાં બેઠાં-બેઠાં અને વોર્કિગ કરતા-કરતા યુવાનોથી લઇને વૃઘ્ધોના કાર્ડીયાક એરેસ્ટથી નિધન થઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં એક ૧૪ વર્ષના બાળકનું પણ ક્રિકેટ રમતા-રમતા નિધન થયું હતું, આ પ્રકારની ઘટનાઓ શું કામ વધી રહી છે ? અને હવે તો હદયરોગના નિષ્ણાંતો પણ કાર્ડીયાક એરેસ્ટનો ભોગ બની રહ્યા છે ત્યારે સવાલ ગંભીર બન્યો છે અને તાત્કાલીક અસરથી કાર્ડીયાક એરેસ્ટ શું કામ થઇ રહ્યા છે ? તેના કારણો જાણવાની આવશ્કયતા ઉભી થઇ છે. થોડા અરસા પહેલા જ જામનગરમાં જોગસપાર્ક પાસે વોકીંગ કરતા-કરતા જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો. મીલન ચગના ભાઇ ડો. સંજીવ ચગનું પણ કાર્ડીયાક એરેસ્ટના કારણે નિધન થયું હતું અને વધુ એક વખત જામનગરના તબીબી જગતને આંચકો આવ્યો છે.

    follow whatsapp