નવી દિલ્હી : મોરબી પુલની દુર્ઘટના અંગેનો FSL રિપોર્ટ આવી ચુક્યો છે. જેમાં ઓરેવા અને નગરપાલિકા દ્વારા કરાયેલા ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારીનો ખુલાસો થઇ ચુક્યો છે. ઓરેવા જુથ, જેની પાસે પુલની સારસંભાળ, સંચાલન અને સુરક્ષાની જવાબદારી હતી. 30 ઓક્ટોબરે કે જે દિવસે પુલ તુટી પડ્યો તે એક જ દિવસમાં કુલ 3165 ટિકિટો ઇશ્યુ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પુલના ભાર વહન અંગેની કોઇ ગણત્રી જ કરવામાં આવી નહોતી.
ADVERTISEMENT
ઓરેવા ગ્રુપની ગંભીર બેદરકારી સામે આવી
રિપોર્ટ અનુસાર ઓરેવા દ્વારા રાખવામાં આવેલા ગાર્ડ અને ટિકિટ આપનાર વ્યક્તિઓ રોજમદાર હતા. સુરક્ષા પ્રોટોકોલ અંગે ગાર્ડને ન તો કોઇ માહિતી હતી કે ન તો આપવામાં આવી હતી. આ ઉપરાંત કેટલા લોકોએ એક સાથે પુલ પર જવા દેવા તે અંગે કોઇ જ માહિતી નહોતી. આ ઉપરાંત કેબલમાં પણ કાટ લાગેલો હતો. કેબલને એન્કર સાથે જોડનારા બોલ્ટ પણ ઢીલા થઇ ચુક્યા હતા.
મોરબીના મચ્છુ નદી પર બેદરકારીની પરાકાષ્ઠતા
અત્રે ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરે ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર આવેલ બ્રિટિશ શાસન યુગના પુલના તુટવાની ઘટનામાં 135 લોકો કરતા વધારે લોકોનાં જીવ ગયા હતા. પોલીસે મોરબી પુલનું સંચાલન કરનારા ઓરેવા જુથના 4 લોકો સહિત કુલ 9 લોકોની 31 ઓક્ટોબરે જ ધરપકડ કરી લીધી હતી. પુલના સંચાલન અને તેનું રિનોવેશન કરનારી કંપનીઓની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
ADVERTISEMENT