કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ, સોપારી બાદ હવે વિદેશી સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો છે. કમ્બોડિયાથી રેડીમેઈડ ગારમેન્ટની આડમાં લાવવામાં આવેલા કન્ટેનરમાંથી ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (DRI)ની ટીમે કરોડોની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ વિદેશી સિગારેટ કોના દ્વારા મંગાવવામાં આવી હતી તે દિશામાં ડીઆરઆઈની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
કંબોડિયાથી આવ્યું હતું કેન્ટેનર
મળતી માહિતી મુજબ, DRI અમદાવાદ ઝોનલ યુનિટને ચોક્કસ બાતમી મળતા ડીઆરઆઈની ટીમ મુન્દ્રા પોર્ટ ખાતે પહોંચી હતી અને વિદેશોમાંથી આવેલા કેન્ટેનરોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કંબોડિયાના ફ્નોમ પેન્હ પોર્ટ પરથી મુન્દ્રા પોર્ટ પર આવેલા રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટમાં તપાસ કરવામાં આવતા આમાંથી વિદેશી સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી
સૂત્રોના જણાવ્યા અનુસાર, કંબોડિયાથી આવેલા કન્ટેનરમાંથી 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી હતી, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 16 કરોડ આંકવામાં આવી રહી છે. જે બાદ અધિકારીઓએ આ સિગારેટને જપ્ત કરી લીધી હતી.
વિદેશી સિગારેટનું કન્ટેનર કર્યું જપ્ત
કન્ટેરનરમાં સૌથી પહેલા આગળ રેડીમેઈડ કપડા હતા. જ્યારે તેની પાછળ કેટલાક બોક્સ મુકેલા હતા. જેમાં વિદેશી સિગારેટ હતી. આ ગોલ્ડ ફ્લેકસ બ્રાન્ડની સિગારેટના પાર્સલ પર મેડ ઇન તુર્કી અને મેડ ઇન ઇન્ડિયા છાપેલું હતું. હાલ તો અધિકારીઓએ આ કન્ટેરનને જપ્ત કરી દીધું છે અને આ સિગારેટ કોણે મંગાવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.
ઝડપાયો હતો સોપારીનો મોટો જથ્થો
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ DRIએ મુન્દ્રા પોર્ટ પરથી દુબઈથી સ્ક્રેપ ટાયરના ઓથા હેઠળ ભારતમાં મોકલવામાં આવેલી કરોડોની સોપારી ઝડપી પાડી હતી. ઝડપાયેલી સોપારીની કિંમત 4 કરોડ હોવાનું કહેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT