Anand News: હાલના સમયમાં વિદેશ જવાનો ક્રેઝ યુવકોમાં ઝડપથી વધી રહ્યો છે. આવા સમયે તેમને વિદેશ મોકલવાની લાલચ આપી તેમના પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેતી ટોળકી પણ સક્રિય થઈ છે. છેલ્લા ઘણા સમયથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, છતાં તેમાથી બોધપાઠ લેવાને બદલે યુવકો ઠગોની જાળમાં ફસાઈ જતાં હોય છે અને લાખો રૂપિયા ગુમાવતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો આણંદ જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં એજન્ટે આણંદ જિલ્લાના યુવકને યુકેના બોગસ વિઝા પધરાવીને 8.50 લાખ પડાવ્યા છે. હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
વિરસદ ગામના યુવક સાથે છેતરપિંડી
મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વિરસદ ગામના એક યુવકને વિદેશ જવાની ઈચ્છા જાગી હતી. જેથી તેણે આણંદ ખાતે આવેલી નેક્સટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. જ્યાં જઈને તેણે નેક્સટ ડેસ્ટિનેશનલ કન્સલ્ટન્સીના માલિકે વિઝા કરાવી દેવાની ગેરંટી આપી હતી. જેના બદલામાં તેણે યુવક પાસે ફી માંગી હતી.
એજન્ટે 8.50 લાખ રૂપિયા લઈને બોગસ વિઝા આપ્યા
જેમની વાતમાં આવીને વિરસદ ગામના યુવકે 8.50 લાખ રૂપિયા આપ્યા હતા. યુવક પાસેથી પૈસા મળ્યા બાદ નેક્સટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સીએ યુવકને યુકેને વિઝા આપ્યા હતા. જોકે, યુવક દ્વારા આ મામલે ખરાઈ કરવામાં આવતા આ વિઝા ડુપ્લિકેટ હોવાનું તેને જાણવા મળ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા યુવક સીધો આણંદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.
યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ
આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવકે અમન દિવાન નામના શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો. જે બાદ આ ફરિયાદના આધારે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તપાસ દરમિયાન અનેક બોગસ વિઝાનું કૌભાંડ બહાર આવી શકે છે.
(વિથ ઈનપુટ: હેતાલી શાહ)
ADVERTISEMENT