અમદાવાદઃ ગજરાત પોલીસનો હિસ્સો રહી ચુકેલા અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહના ગુજરાત પરના શાસન કાળ દરમિયાન ખુબ જ ચર્ચા અને વિવાદોથી ઘેરાયેલા રહેલા ડી જી વણઝારાએ નવી પાર્ટીની રચના કરીને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે. પ્રજા વિજય પક્ષ નામની પાર્ટીનું તેઓ આવતીકાલે અમદાવાદથી લોન્ચિંગ કરવાના છે ત્યારે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતા વણઝારા વિશે આવો જાણીએ.
ADVERTISEMENT
કેવી રીતે બન્યા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ
1987 બેચના આઈપીએસ અધિકારી ડી જી વણઝારા ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી, એટીએસ ચીફ જેવી મહત્વનની જગ્યાઓ પર ફરજ બજાવી ચુક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે વધુ જાણીતા બન્યા હતા. તેઓને એન્કાઉન્ટરના કેસમાં જેલવાસ ભોગવવાનો આવ્યો હતો. જોકે તેમને જેલ થવા પાછળ કયા કયા કારણો હતા તે પણ જાણવા લાયક છે. તેઓ એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)માં હતા. તેમના કાર્યકાળ દરમિયાન થયેલા સમીર ખાન (સપ્ટેમ્બર 2002), સાદીક જમાલ (2003), ઈશરત જહાં અને ત્રણ અન્ય વ્યક્તિઓ (જુન, 2004), સોહરાબુદ્દીન શેખ (નવેમ્બર, 2005), સોહરાબની પત્ની કૌસર બી (વણઝારાના ગામમાં હત્યા), તુલસીરામ પ્રજાતિ (ડિસેમ્બર, 2006)ના એન્કાઉન્ટરની ટીલી તેમના કરિયર દરમિયાન તેમના પર લાગી હતી કારણ કે આ એન્કાઉન્ટર ફેક છે તે મામલે તેમને કોર્ટમાં જવાબો આપવાના થયા હતા. તેમની સાથે અન્ય પોલીસ અધિકારીઓને પણ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો અહીં સુધી કે તે સમયે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પણ આંગળીઓ ચિંધવામાં આવી હતી. જોકે આ તમામ એન્કાઉન્ટર્સ દરમિયાન તેમની ઈમેજ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઉભરી આવી હતી.
આસારામના ભક્ત છે વણઝારા
ડી જી વણઝારા લાંબા સમયથી આસારામના ભક્ત છે, આસારામ અને તેમનો પુત્ર નારાયણ સાંઈ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. ડી જી વણઝારા ઘણી વખત તેમના સમર્થનમાં થતા કાર્યક્રમોમાં અગ્રેસર રહ્યા છે.વણઝારા આ ઉપરાંત હિન્દુત્વનો ચહેરો બનીને આગળ આવ્યા હતા. કારણ કે તેમણે જેટલા એન્કાઉન્ટર કર્યા તેમાં આતંકવાદની વાત હતી અને લોક માનસમાં ઠસેલી વાત પ્રમાણે મુસ્લિમોના એન્કાઉન્ટર કર્યા હતા. જોકે સત્ય તેનાથી ઘણું વિપરિત રહ્યું. તેઓ નિવૃત્ત જીવન દરમિયાન સતત પોતાની રાજકીય કારકિર્દી અને ધર્મના રસ્તા પર આગળ વધાય તેના પ્રયાસો કરતા રહ્યા. ઘણી રેલીઓ કરી, સભાઓ કરી, સંમેલનોનો હિસ્સો બન્યા અને સંતો મહંતોની આસપાસ ફર્યા. તેમણે આખરે હવે પોતાની રાજનીતિ ચમકાવવાનું મુહૂર્ત કાઢી લીધું છે અને 8 નવેમ્બર 2022એ તેઓ પોતાના નવા પક્ષની જાહેરાત સાથે વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવાના છે.
હિન્દુત્વનો મુદ્દો લઈને રાજકારણમાં પગલા
તેમણે થોડા જ દિવસો પહેલા કહ્યું હતું કે, 182 વિધાનસભામાં સંતોને ચૂંટણી લડાવવા માટે પ્રજા વિજય પક્ષ કટિબદ્ધ છે. પક્ષને સંતોના આશીર્વાદ પ્રાપ્ત છે, ધીમી પણ મક્કમ ગતિએ રાજ્યના ચૂંટણી મેદાનમાં આવી ગયો છે.લોકોને નવો રાજકીય વિકલ્પ પુરો પાડશે. તેમના ટ્વીટ પ્રમાણે તેઓ આગામી ચૂંટણીમાં હિન્દુત્વના મુદ્દાને લઈને ઉતરશે તે નક્કી છે. તેઓનો મુખ્ય મુદ્દો અને તેમની અગાઉથી પડેલી છાપ પ્રમાણે તેઓ આ મુદ્દા સિવાયના ભ્રષ્ટાચાર, ભયના સામ્રાજ્યને તોડવા વગેરે જેવા મુદ્દાઓને ચૂંટણી દરમિયાન મુખ્ય મુદ્દા બનાવશે.
ADVERTISEMENT