અમદાવાદ : વન કર્મચારીઓ હડતાળ પર ઉતરી જવાના કારણે હાલ ગુજરાતના અને ખાસ કરીને વન્ય વિસ્તારની આસપાસ રહેલા વિસ્તારોમાં ભારે અરાજકતા ફેલાઇ છે. વન્યજીવો પોતાની રીતે વિચરી રહ્યા છે. જેના કારણે સામાન્ય નાગરિકની હાડમારીમાં વધારો થયો છે. જ્યાં હિંસક પ્રાણીઓ હોય તેવા વિસ્તારોમાં લોકો હવે જીવ હથેળીમાં લઇને જ ફરી રહ્યા છે. જો કે તંત્ર અને સરકાર પોતાની મસ્તીમાં છે. જ્યારે નાગરિકો ચણા મમરાની જેમ મરી રહ્યા છે. વન્યપ્રાણી દ્વારા હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. તમે વિચારો જે પરિવારનું પાંચ વર્ષનું બાળક કે જેને દીપડાએ ફાડી ખાધુ હશે તે પરિવાર પર શું વિતતું હશે. તમારા ખોળામાં બાળક હોય અને કોઇ પ્રાણી ઉઠાવી જાય.
ADVERTISEMENT
ઘોઘંબામાં પરિવારે પોતાનું 5 વર્ષનું બાળક ગુમાવ્યું
ઘોઘંબા તાલુકાના વાવ કુલ્લી ગામે માનવભક્ષી દીપડાના આતંકના કારણે સ્થાનિકો ખુબ જ પરેશાન છે. ફરી એકવાર પોતાની માતાના ખોળામાં જમી રહેલા પાંચ વર્ષની બાળકીનો શિકાર કરીને દીપડો ભાગી ગયો હતો. બાળકીને બચાવવા માટે તેની દાદીને ખેતરમાં ત્રણ વાડા કુદી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ખુંખાર દીપડો બાળકીને ઉઠાવીને અનેક વાડા કુદી ગયો હતો. જ્યારે માતા પણ તેની પાછળ ત્રણ વાડા કુદીને ગઇ હતી પરંતુ ત્યા સુધીમાં ઘણુ મોડુ થઇ ગયું હતું. વનવિભાગ હાલ બાલકીની શોધખોળ આદરી છે. આ ઘટનાઓ જે પ્રકારે બની રહી છે તે જોતા હવે સરકારને મન નાગરિકો તો ચણા મમરા છે. કીડા મકોડા મરી જાય તેમ નાગરિકો સાવ સામાન્ય બેદરકારીને કારણે મરે છે પરંતુ સરકાર કે તંત્રને કોઇ ફરક નથી પડતો. વન વિભાગ હડતાળ પર છે અને સરકાર પોતાની મસ્તીમાં છે. હાલ તો પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
જામનગરમાં નીલગાય શહેરી વિસ્તારમાં, અકસ્માતની આશંકા
જ્યારે બીજી એક ઘટનામાં જામનગર શહેરમાં નિલગાય જોવા મળી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં નિલગાય શહેરી વિસ્તારમાં જોવા મળી હતી. શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં નિલગાય જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ વનરક્ષકો પોતાની માંગણીને લઇને અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. જેના કારણે પ્રાણીઓ બેરોકટોક ફરી રહ્યા છે. જંગલ વિસ્તારની બહાર આવી જાય છે. તેવામાં હિંસક પશુઓની રંઝાડ પણવધી શકે છે.
વન વિભાગ પોતાની માંગણીઓ મુદ્દે હડતાળ પર
અત્રે ઉલ્લેખનીય છે કે, વનરક્ષકો પણ ગ્રેડ પે મુદ્દે લડાઇ લડી રહ્યા છે. વનરક્ષક અને વનપાલ જેવી અનેક જગ્યાઓ પર યોગ્ય પગાર નહી મળતો હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત ગ્રેડ પે, રજા પગાર, બઢતીનો 1:3 નો રેશિયો કરવા જેવી અનેક માંગ છે. અગાઉ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી પરંતુ સરકારે કોઇ કાર્યવાહી નહી કરતા આખરે વનરક્ષકો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT