Gandhinagar: ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ મોડમાં! સ્થિતિને પહોંચી વળવા બેઠકનો દોર શરૂ

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

Gandhinagar News

Gandhinagar News

follow google news

Gandhinagar News: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવએ વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપરાંત વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા સર્વે જિલ્લા કલેકટરઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરોને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેના આધારે વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવએ સૂચના આપી હતી. સાથે જ તેમણે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સૂચના આપી હતી.

કોઈ જાનહાનિ અને હોનારત ન થાય તે માટે સરકાર તૈયાર

રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને રાખી લોકો જ્યાં મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના છે તે સ્થળોએ ભારે વરસાદથી કોઇ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા મુખ્ય સચિવએ જણાવ્યું હતું. વધુમાં, તમામ પ્રભારી સચિવઓને પણ જરૂર જણાયે પરિસ્થિતિને ધ્યાને રાખી પોતાના જિલ્લામાં હાજર રહી વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા સૂચિત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી આગાહી વાળા જિલ્લાઓમાં પશુપાલન, ઊર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના અધિકારીશ્રીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચિત કરાયા હતા.

તંત્રનું સતત મોનીટરીંગ શરૂ

વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત થાય, વીજ પુરવઠો ખોરવાય તો સત્વરે પૂર્વવત થાય, ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનીટરીંગ થાય, તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા મુખ્ય સચિવએ આદેશ આપ્યો હતો.  આ ઉપરાંત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી તેમજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર દ્વારા વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરી, તકેદારી રાખવા જણાવાયું હતું. રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ પણ બેઠકમાં હાજર રહેલા તમામ નોડલ અધિકારીઓને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તકેદારીના તમામ પગલાં ભરવા જરૂરી જણાવ્યું હતું.
 

    follow whatsapp