કૌશિક કાંઠેચા/કચ્છ: નવરાત્રીની આઠમના કચ્છના માતાના મઢ ખાતે યોજાતી પત્રી વિધિનો એક વિશેષ મહત્વ છે. જો કે, રાજપરિવાર દ્વારા યોજાતી આ વિધિ કોણ કરશે તે મુદ્દે લાંબા સમયથી ચાલતા અસમંજસ બાદ આજે સવારે રાજપરિવારના બન્ને પક્ષોએ પત્રી ઝીલતા અભૂતપૂર્વ ઘટના ઘટી હતી. કચ્છ રાજવી પરિવારના મહારાણી પ્રીતિ દેવી ઉપરાંત કુંવર હનુવંતસિંહ જાડેજાએ પ્રથમ વખત પત્રી વિધિ કરતા આ પારંપરિક પૂજાવિધિને એક નવી દિશા તરફ વાળ્યું છે.
ADVERTISEMENT
માતાના મઢ ખાતે 450 વર્ષથી યોજાય છે પરંપરા
લગભગ 450 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ કચ્છ રાજપરિવારના મોભીમાં આશાપુરા પાસે કચ્છની સુખાકારી માટે માતાજીના ખભે પત્રી વનસ્પતિ રાખી પોતાનો ખોળો પાથરે છે. પત્રી ખોળામાં પડતા માતાજી તરફથી આશીર્વાદ અપાયું હોવાનું માની આ વિધિ કચ્છના લોકોની આસ્થા સાથે બંધાયેલી છે. જો કે, રાજપરિવારમાંથી કોણ આ વિધિ કરે તે મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
રાજ પરિવારમાં પત્રી વિધિ કરવા વિવાદ હતો
ગત વર્ષે ભુજ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા બાદ મહારાણી પ્રીતિ દેવીએ પ્રથમ વખત પત્રી ઝીલતા કોઈ મહિલાના હસ્તે આ વિધિ થઈ હોય તેવી પ્રથમ ઘટના બની હતી. ત્યારે આ વર્ષે પ્રીતિ દેવી ઉપરાંત હનુવંતસિંહ દ્વારા પત્રી વિધિ કરવામાં આવતા ઇતિહાસમાં ક્યારેય ન ઘટી હોય તેવી ઘટના ઘટી હતી. કોર્ટમાં અરજી, પત્રકાર પરિષદ અને અનેક પ્રકારની અસમંજસ બાદ ગઇકાલે રાજપરિવારના બંને પક્ષો માતાના મઢ જવા નીકળ્યા હતા.
એક જ દિવસમાં રાજ પરિવારના બે પત્રોએ કરી પત્રી વિધિ
સામાન્યપણે ચાચરા ભવનીની પૂજાથી શરૂ થતી સંપૂર્ણ વિધિ 8 વાગ્યાથી શરૂ થતી હોય છે ત્યારે આજે હનુવંતસિંહ વહેલી સવારે 6.30 વાગ્યે જ વિધિ કરવા પહોંચ્યા હતા. ખૂબ ઓછા લોકો વચ્ચે હનુવંતસિંહે વિધિ પૂર્ણ કરી હતી. તો ત્યારબાદ રાજપરિવારનો બીજો પક્ષ પણ 8.30 વાગ્યે આવી પહોંચ્યો હતો. ભારે પોલીસ બંદોબસ્ત અને ખાનગી બોડીગાર્ડ્સની સુરક્ષા વચ્ચે પ્રીતિ દેવીએ પણ પત્રી ઝીલી હતી. બન્ને લોકોએ પાથરેલા ખોળામાં અમુક સેકન્ડમાં જ માતાજી પાસેથી પત્રીનો પ્રસાદ મેળવ્યો હતો.
કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ
હનુવંતસિંહ જાડેજા તરફથી પ્રતિનિધિ નારાયણજી કલુભા જાડેજાએ આ વિવાદ અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ ઐતિહાસિક વિધિમાં વિવાદ એ અતિ દુઃખદ છે. અમે કોર્ટના ચુકાદાની રાહ જોઈ ચામર પૂજામાં એક દિવસનું વિલંબ કર્યું. હનુવંતસિંહ લાંબા સમયથી પોતાના હક્ક માટે લડતા આવ્યા છે અને આજે આખરે તેમણે પોતાના હક્ક મુજબ આ વિધિ પૂરી કરી છે.”
તો બીજા પક્ષે પ્રીતિ દેવી તરફથી ઇન્દ્રજીતસિંહ જાડેજાએ 450 વર્ષ જૂની પરંપરા તૂટવા મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું હતું. “માતાજીની આરાધના માટેની વિધિઓ પરંપરા મુજબ થવી જોઈએ. વર્ષોથી ચામર પૂજા પાંચમના જ થાય છે અમે આ વર્ષે પણ પાંચમના જ પૂજા કરી છે જ્યારે કે એમણે છઠ્ઠના દિવસે કરી છે. અમે પારંપરિક રીતે ટિલામેડીમાં પૂજા કરી જ્યારે કે તેમણે અન્ય મંદિરમાં. સાચી ચામર પૂજા એ જ હોય કે જેમાં ચામર મહામાયા માતાજીના ચરણોમાંથી આશીર્વાદ મેળવીને લેવામાં આવ્યું હોય. અમે બધી પરંપરા મુહૂર્ત મુજબ કરી છે. જો તેઓ સાચા હોય તો તેમને છુપાઈને વહેલી સવારે આ વિધિ શું કામ કરવી પડી. માતાનો મઢ ટ્રસ્ટ સાથેની મિલીભગતના કારણે તેઓ આ વિધિ કરી શક્યા છે. તેમણે જે કર્યું તે માટે માતાજી તેમને સદબુદ્ધિ આપે તે જ અમારી પ્રાર્થના છે.”
ADVERTISEMENT