વડોદરા: દેશભરમાં ધીમે ધીમે પગપેસારો કરી રહેલા H3N2 વાયરસે હવે ગુજરાતમાં પણ માથું ઉચક્યું છે. રાજ્યમાં H3N2 વાયરસથી પ્રથમ મોત થયું હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં 58 વર્ષના મહિલા દર્દીનું સયાજી હોસ્પિટલમાં H3N2 વાયરસના કારણે મોત નિપજ્યું છે. મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા અને વેન્ટિલેટર પર હતા. બે દિવસ અગાઉ જ તેઓ સારવાર માટે દાખલ થયા હતા જ્યાં ગઈકાલે તેમનું મોત થઈ ગયું.
ADVERTISEMENT
વડોદરાના મહિલા દર્દીનું H3N2થી મોત
ગુજરાતમાં આ H3N2 વાયરસથી પ્રથમ મોત થયું છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 3 દર્દીઓના મોત થયા છે. હાલમાં મહિલા દર્દીના સેમ્પલને વધુ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલથી અમદાવાદ અને પુનાની વાયરોલોજી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પર સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણ ધરાવતા આ H3N2 વાયરસના કેસ અંગે એલર્ટમાં આવી ગઈ છે.
અમદાવાદ મ્યુનિ.એ ફ્રી ટેસ્ટની સુવિધા કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસવીપી, એલ.જી, સોલા સિવિલ અને બી.જે મેડિકલ કોલેજમાં ફ્રી ટેસ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે. માર્ચ મહિનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં અહીં 100થી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે અને કોઈ ટેસ્ટ પોઝિટિવ આવ્યા નથી. આ સાથે અર્બન હેલ્થ સેન્ટર અને અન્ય હોસ્પિટલોમાં પણ દર્દીની તપાસ માટેની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જ્યાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરીને તેમના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT