Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધ્રાંગધ્રાના રાજકમલ ચોક પાસે મુખ્ય બજારમાં એક કે બે નહીં 15થી વધુ દુકાનોમાં વિકરાળ આગ લાગી છે. આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે. આર્મી અને ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આગને કાબૂમાં લેતા હજુ સમય લાગશે. દુકાનોમાં વહેલી સવારે આગ લાગી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
ધ્રાંગધ્રામાં 15થી વધુ દુકાનોમાં આગ
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ધ્રાંગધ્રાના રાજકમલ ચોક પાસેના વેદાંત કોમ્પલેક્ષમાં આવેલી વ્યાસ સિલેક્શન અને કિંજલ ફેશન શોપમાં વહેલી સવારે આગ લાગી હતી. જોત જોતમાં આ આગની ઝપેટમાં આજુબાજુની 15 કરતા વધારે દુકાનો આવી ગઈ હતી.
આર્મીના જવાનો પણ પહોંચ્યા ઘટનાસ્થળે
આ સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા છે. તો આ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. સાથે જ આર્મીના જવાનો પણ રાજકમલ ચોક ખાતે દોડી આવ્યા છે. હાલ ટીમો દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે.
શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન
આગ પર નિયંત્રણ મેળવવા આર્મીના 50 જવાનો તૈનાત કરાયા છે.10થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજકમલ ચોક પાસે મુખ્ય બજારમાં આવેલી દુકાનોમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.