હેતાલી શાહ/ખેડા: ખેડા જીલ્લામાં બે મહિલા પત્રકારો સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. નડિયાદના આડીનાર ચોકડી પાસે બે મહિલા પત્રકારએ BHMS તબીબ પાસે રૂ.50 હજારની માંગણી કરી હતી અને રૂપિયા નહીં આપો તો સોશિયલ મીડિયામાં ડોક્ટરને બદનામ કરવાની ધમકી આપી. તબીબ પાસેથી રૂ.2500 પડાવી બીજા બાકીના રૂપિયાની ઉઘરાણી માટે ધમકી આપી હતી. તબીબે ચકલાસી પોલીસ મથકે 3 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
મહિલા પત્રકારે ડોક્ટર પાસે પૈસા માગ્યા
આજ કાલ સોશિયલ મિડીયામાં ચેનલ શરૂ કરી રૂપિયા પડાવવાની ઘટના સામે આવી રહી છે. એવામાં ખેડા જીલ્લાના નડીયાદમાં બે મહિલા પત્રકાર સામે બી.એચ.એમ.એસ ડોક્ટરે ફરીયાદ નોંધાવતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જેમાં નડીયાદના વાણીયાવડ વિસ્તારમાં રહેતા રાહુલ ચાવડા કે જેઓ બી.એચ.એમ.એસ ડોક્ટરની ડીગ્રી ધરાવે છે અને નડીયાદ તાલુકાના આડીનાર ચોકડી પાસે પોતાનું ક્લિનીક ચલાવે છે.
તબીબ પાસે ખોટી ડિગ્રી હોવાનું કરી 50,000 માગ્યા
ગત 24 માર્ચ 2023ના રોજ બે મહિલા પત્રકાર રાહુલ ચાવડાના ક્લિનીક પર પહોંચી હતી. જ્યાં કંપાઉન્ડર સાગરભાઇ રાઉલજી સાથે હાજર હતા. અને બન્ને મહિલા પત્રકાર કે જે ઇન્ડીયા ન્યુઝ ગુજરાતી પેટલાદથી આવે છે અને રાહુલ ચાવડાને કહ્યું હતું કે, તમે ડોક્ટરની ડીગ્રી ખોટી ધરાવો છો. તો રાહુલ ચાવડાએ કાયદેસર બી.એચ.એમ.એસના ડોક્ટર હોવાના અને કાયદેસરના રજીસ્ટ્રેશન સર્ટી પણ બનાવેલા હતા. તેમ છતાં તે અલગ-અલગ વાતો કરી હેરાન કરવા લાગ્યા હતા અને પારૂલબેને 50,000 ની માંગણી કરી હતી. રૂપિયા નહીં આપવા પર કોઇ પણ રીતે બદનામ કરી દેવાનો ભય બતાવેલો.
રૂપિયા ના મળતા આપી કરિયર ખતમ કરવાની ધમકી
જેથી તે વખતે ડોક્ટર ગભરાઈ ગયા અને પોતાની પાસે રહેલ 2500 રૂપિયા પારૂલબેન સાથે આવેલા શબનમબેનને આપ્યા હતા. પછી બાકીના બીજા રૂપિયા નહીં આપો તો તમારી સોશિયલ મીડિયા ઉપર બદનામી કરી નાખીશું તેમ કહી બંને મહિલા પત્રકાર ક્લીનિક ઉપરથી જતા રહ્યા હતા. અને ત્યારબાદ 25 જુલાઈ 2023ના રોજ સવારના આશરે નવેક વાગે આડીનાર ચોકડી ઉપર નાસ્તાની લારી કરનાર નામે સલીમભાઇ કરીને ડોક્ટર પાસે પહોંચ્યા અને કહ્યું કે, પારૂલબેને મોકલ્યો છે. બાકીના રૂપિયાનું શું કરવાનું છે? જેથી ડોકટરે ના પાડતા ગમેતેમ અપશબ્દો બોલી પાછો જતો રહ્યો હતો.
ત્યારપછી બપોરના 12 વાગે પારૂલબેન એકલા પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, બાકીના રૂપિયાનું શું થયું જેથી ડોક્ટરે કહ્યું કે, તે ડોક્ટર છે. શેના રૂપિયા આપે ? જે બાદ પારૂલબેને તારી કારકીર્દી ખરાબ કરી નાખીશ તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ બી.એચ.એમ એસ ડોક્ટર રાહુલ ચાવડાએ પત્રકાર પારૂલબેન પટેલ, શબનમ મલેક તેમજ સલીમ ઉર્ફ સરફરાજ મલેક સામે ફરિયાદ નોંધાવી છે.
જોકે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ડૉક્ટર બી.એચ.એમ.એસની ડીગ્રી ધરાવે છે અને અલોપેથી દવાઓ દર્દીઓને આપે છે. નામ ન આપવાની શરતે એક વ્યકિતએ જણાવ્યું કે, આ ડોક્ટર ક્લીનિકમાં દર્દીને દાખલ પણ કરે છે. જે હોમિયોપથી ડોક્ટર કરી શકે નહી. જો નડીયાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ આ અંગે તપાસ કરે તો આવા અનેક ક્લીનીકો સામે આવી શકે છે. પરંતુ હાલ આ હોમિયોપેથી ડોક્ટરે મહિલા પત્રકારો સામે ફરિયાદ નોંધાવતા મામલો ટોક ઓફ ધ ટાઉન બની છે.
ADVERTISEMENT