અમદાવાદ : શહેરના ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પર ગઇકાલે રાત્રે બે મિત્રો વચ્ચે યુવતી મુદ્દે લોહીયાળ જંગ ખેલાયો હતો. મામલો ખુબ જ ચોંકાવનારો છે. ચાંદલોડિયાના વિશ્વકર્મા બ્રિજ પર ગઇકાલે રાત્રે સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવતી બાબતે બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી એટલી હદે વણસી ગઇ કે બંન્ને વચ્ચે મારામારી થઇ ગઇ હતી.
ADVERTISEMENT
યુવતી બાબતે ઉશ્કેરાઇ જઇને મિત્રએ મિત્રનું કાસળ કાઢી નાખ્યું
દરમિયાન વેદાંત નામનો યુવક ઉશ્કેરાઇ જતા તેણે સ્વપ્નિલને કારમાં જ તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી દીધા હતા. આટલું જ નહી વેદાંતે મિત્ર સ્વપ્નિલ જ્યાં સુધી તરફડતો બંધ ન થાય ત્યાં સુધી ઘા માર્યા હતા. ઠંડે કલેજે હત્યા કર્યા બાદ તેને હોસ્પિટલમાં લઇ જવાના બદલે તે તેની લોહીથી લથબથ લાશ લઇને સોલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો.
યુવકે ફિલ્મી હીરોની જેમ લોહીથી લથબથ હાલતમાં પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો
કોઇ ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો સોલા પોલીસ સ્ટેશનમાં સર્જાયા હતા. લોહીથી ખરડાયેલી હાલતમાં યુવક પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા પોલીસ પણ થોડા સમય માટે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવકે પોલીસ સ્ટેશનમાં પ્રવેશીને પોતે હત્યા કરી હોવાની અને લાશ ગાડીમાં જ હોવાની કબુલાત કરી હતી.
પોલીસ પણ યુવકને જોઇને આશ્ચર્યથી ચોંકી ગઇ
પોલીસ તત્કાલ બહાર જઇને ગાડીમાં રહેલા મૃતદેહને હોસ્પિટલ લઇ ગયા હતા. જો કે ફરજ પરના ડોક્ટર તેને મૃત જાહેર કરતા દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે હત્યારા યુવકની પુછપરછ ચાલી રહી છે. સમગ્ર ઘટના મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. પુછપરછ બાદ જ સ્વપ્નિલની હત્યાનું કારણ સામે આવશે.
ADVERTISEMENT