અમરેલી: રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ છવાયો છે. આ વચ્ચે અમરેલીમાં વીજળી પડવાની ઘટનામાં વાડીએથી પરત જતા ખેડૂતનું મોત નિપજ્યું છે, જ્યારે તેની દીકરીને હાલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતક ખેડૂતને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવીને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વાડીએથી ઘરે જતા વીજળી પડી
વિગતો મુજબ, અમરેલીના સોનારીયામાં ખેડૂત બાલાભાઈ વાઘેલા અને તેમની 10 વર્ષની દીકરી બંને બુધવારે સાંજે વાડીએથી ઘરે આવી રહ્યા હતા. રસ્તામાં ભારે વરસાદ હોવાથી તેઓ પાદરે ઊભા હતા, દરમિયાન અચાનક આકાશમાંથી વીજળી મોત બનીને ત્રાટકી હતી અને બાલાભાઈ પર પડી હતી અને તેમનો જીવ જતો રહ્યો હતો. જ્યારે આ ઘટનામાં તેમની સાથે રહેલી છોકરીનો આબાદ બચાવ થયો હતો.
બાળકીનો જીવ બચી જતા હોસ્પિટલ ખસેડાઈ
દુર્ઘટનાની જાણ થતા જ ગામલોકો દોડી આવ્યા હતા અને ભોગ બનનાર બાલાભાઈને તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમનો જીવ બચાવી શકાયો નહોતો. જ્યારે તેમની સાથે રહેલી બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટના અંગે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, તેમના ભાઈ મજૂરી માટે ગયા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. હાલમાં બાળકીની સ્થિતિ સુધારા પર છે.
ADVERTISEMENT