અમદાવાદ: હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે એક પિતા-પુત્રની જોડી હાલ ખૂબ જ ચર્ચામાં આવી છે. અમદાવાદના નવા વાડજમાં ડીપી સ્કૂલમાં પ્યૂન તરીકે ફરજ બજાવતા 42 વર્ષના વીરભદ્રસિંહ સિસોયદિયા પણ આ વખતે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જીવનની ભાગદોડમાં પોતાનો 10મા ધોરણનો અભ્યાસ પૂર્ણ ન કરી શકતા વીરભદ્રસિંહે ફરીથી પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ખાસ બાબત એ છે કે તેમની સાથે તેમનો દીકરો પણ 10મા ધોરણની પરીક્ષા આપી રહ્યો છે.
ADVERTISEMENT
15 વર્ષની ઉંમરે અભ્યાસ છૂટ્યો હતો
વીરભદ્રસિંહનો દીકરો યુવરાજસિંહ હાલ ધોરણ 10માં છે અને બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. તેની સાથે વીરભદ્રસિંહ પણ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષા માટે પિતા-પુત્ર બંને સાથે જ તૈયારી કરે છે. વીરભદ્રસિંહનું કહેવું છે કે, તેઓ 15 વર્ષના હતા ત્યારે બોર્ડની પરીક્ષામાં ફેલ થયા હતા. એવામાં હાલ તેમના દીકરાએ પ્રેરણા આપતા તેમણે ફરીથી 10મું ધોરણ પાસ કરવાનું નક્કી કર્યું અને પેન પકડીને બોર્ડની તૈયારીમાં જોડાયા હતા. સ્કૂલના શિક્ષકોનો પણ તેમને સાથ મળ્યો અને કમાવવા સાથે તેણે સ્કૂલમાં ભણવાનું પણ શરૂ કર્યું. પિતાની અભ્યાસ પ્રત્યને ધગશ જોઈને દીકરો પણ મિત્ર હોય તેમ પિતાને જ્યાં પણ ન સમજાય તેમને મદદ કરે છે.
માતા-દીકરી આપી રહ્યા છે ધો.12ની પરીક્ષા
નોંધનીય છે કે, બોર્ડની પરીક્ષામાં બાળકો સાથે પિતા કે માતા પરીક્ષા આપવા બેસે તેવા પહેલા પણ ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. અમદાવાદના વાડજમાં જ બે દિવસ પહેલા માતા અને દીકરી ધો.12 કોમર્સની સાથે પરીક્ષા આપતા હોવાની કિસ્સો સામે આવ્યો છે. 34 વર્ષના મોનિકાબેન 17 વર્ષની દીકરી ડોલી સાથે કોમર્સની પરીક્ષા આપી રહ્યા છે. મોનિકાબેને લગ્ન પહેલા ધો. 7 સુધી જ અભ્યાસ કર્યો હતો. લગ્નબાદ સાસરીમાં પતિ ભણેલા હોવાથી તેમણે પ્રોત્સાહન આપ્યું અને ફરીથી અભ્યાસ શરૂ કર્યો હતો.
ADVERTISEMENT