શાર્દૂલ ગજ્જર/ પંચમહાલ: ઘોઘંબા તાલુકામાં અંતરિયાળ ગામોમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા રાત્રી દરમિયાન ખેડૂતોને વીજળી આપવામાં આવે છે. જેના કારણે શિયાળાની કડકડતી ઠંડીમાં ખેડૂતને રાત્રિ દરમિયાન ખેતરમાં પાણી મૂકવા જવું પડે છે. ત્યારે આવા ઘોર અંધકારમાં ખેડૂતો જ્યારે ખેતરમાં પાણી મૂકવા માટે જાય છે, ત્યારે તેઓને જંગલી ભૂંડો અને રોઝ જેવા જંગલી જનાવરનો ડર લાગે છે. કેમકે ગમે ત્યારે આ જંગલી જાનવરો ખેડૂતો ઉપર હુમલો કરી શકે છે. આ અંગે ખેડૂતોએ દિવસ દરમિયાન વીજળીનો પુરવઠો મળી રહે એની અરજી કરવા તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT
ખેડૂતો અગ્રેસર થયા, વીજ પુરવઠો દીવસે આપો…
આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં લેતા ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તે માટે ખેડૂતો અગ્રેસર થયા હતા. ઘોઘંબા તાલુકાના ખેડૂતો દ્વારા તાલુકાના મામલતદાર તેમજ ઘોઘંબા એમજીવીસીએલ વિભાગના નાયબ એન્જિનિયર સહિત ગુજરાતના મુખ્યમંત્રીને ઘોઘંબા તાલુકાના મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદન પત્ર પાઠવ્યું
ઘોઘંબા તાલુકાના વાવ ગામે એમજીવીસીએલ વિભાગ દ્વારા સબ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું છે. જેનું કામ વહેલી તકે ઝડપથી કરવામાં આવે તે માટે ઘોઘંબા તાલુકાના ખેડૂતો દ્વારા એમજીવીસીએલ વિભાગના નાયબ એન્જિનિયરને આવેદન પત્ર મારફતે રજૂઆત કરી હતી. અત્યારની સ્થિતિમાં વીજ પુરવઠો ઘોઘંબા ફિટરમાંથી આપવામાં આવે છે, જે ઘણા લાંબા અંતરે જંગલ વિસ્તારમાંથી આવે છે. જેના કારણે અવાર નવાર વીજ પુરવઠો ખોરવવાનો બનાવો બનતા હોય છે.
આના પરિણામે ગ્રામજનોને ખેતી કરવામાં મુશ્કેલી પડે છે. રાત્રિ સમયે અંધારપટ છવાઈ જાય છે. આ માટે નવા સબ સ્ટેશનનું કામ ઝડપથી કરવામાં આવે તે માટે ખેડૂતોએ રજૂઆત કરી હતી.
ADVERTISEMENT