ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. વર્ષ 2024-25ના રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવા નવતર પહેલો કરી છે. ખેડૂતોને તેમની ખેતપેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક ઉન્નતી તરફ આગળ વધે તેવા નેક હેતુસર વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને પાકોની ખરીદી કરવામાં આવે છે.
ભારત સરકારે મંગાવી છે ટેકાના ભાવની દરખાસ્ત
દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો નિશ્ચિત થઈ યોગ્ય પાકોનું વાવેતર કરી શકે. ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ રવિ પાકો પૈકી ગુજરાતના ઘઉં, ચણા, રાયડા અને શેરડી પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે.
ઘઉં અને ચણાના ભાવની કરાશે ભલામણ
ગુજરાતના ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વર્ષ 2024-25ના ટેકાના ભાવ નક્કી કરવા ઘઉં માટે રૂ.4050 પ્રતિ ક્વિન્ટલ, ચણા માટે રૂ. 7050 પ્રતિ ક્વિન્ટલ, રાયડા માટે રૂ. 7200 પ્રતિ ક્વિન્ટલ અને શેરડી માટે રૂ. 600 પ્રતિ ક્વિન્ટલ ભાવની ભારત સરકારને ભલામણ કરવામાં આવશે, તેમ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું.
કૃષિ ખર્ચ અને ભાવપંચ મોકલાશેઃ રાઘવજી
રાજ્ય કૃષિ ભાવપંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. પુખ્ત વિચારણા અને નિષ્ણાતો દ્વારા નક્કી કરાયેલા ભાવોને ધ્યાને લઇ વર્ષ 2024-25 માટે ઘઉં, ચણા, રાયડો અને શેરડી પાકના રાજ્ય કૃષિ ભાવપંચ દ્વારા ભાલામણ કરવાના થતા ભાવ ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચને મોકલી આપવામાં આવશે.
બેઠકમાં કોણ રહ્યું હાજર?
આ બેઠકમાં નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, ખેતી નિયામક સહિતના ઉચ્ચ અધિકારીઓ, ખેડૂત પ્રતિનિધિ સર્વ હિરેન હીરપરા, હિતેન્દ્ર પટેલ અને રમેશ પટેલે બેઠકમાં ઉપસ્થિત રહી પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
ADVERTISEMENT