વિરેન જોશી, મહીસાગરઃ ખેડૂત કહેવાય તો છે જગતનો તાત પણ જ્યારે સિઝન હોય ત્યારે જ તાતની કિસ્મત નથી કામ કરતી હોતી. મહીસાગરના ખેડૂતની સ્થિતિ પડતા પર પાટુ જેવી છે. પહેલા ખાતર માટે અઢળક ધક્કા ખાઈને પગમાં છાલા પાડ્યા. ખાતર મળ્યા પછી ખેતરમાં ખેડ કરી અને હવે નહેરના પાણી ખેતરમાં ભરાઈ જતા ખેડૂત મહામૂલી મહેનત બચાવવા માટે રઘવાયો થયો છે.
ખેડૂતોને પડ્યા પર પાટું
લુણાવાડામાં ખેડૂતોએ ઉગાડેલા રવિપાક માટે માંડ-માંડ ખાતર મળ્યું અને ખાતર મળ્યા પછી પાકમાં ખાતર નાંખ્યુ. જેમ બાળકની માવજત કરી મોટુ કરવામાં આવે ખેડૂત પાકની માવજત કરી રહ્યો હતો. પાકને બચાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યો હતો. એવામાં કડાણા ડેમમાંથી નીકળતી ડાબાકાંઠાની નહેરના પાણી ખેડૂતોના ખેતરમાં ભરાયા. ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ઉભા પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો. લુણાવાડાના પાવાપુર પાસે કડાણા ડેમમાંથી નીકળતી કડાણા ડાબાકાંઠા સબમાઈનોર કેનાલ ઓવરફ્લો થતા માળિયા, કરવા ગામના ખેતરોમાં ઉભેલા પાકમાં પાણી ભરાઈ ગયા હતા. અવાર-નવાર ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે ખેતરમાં વાવેલા ઘઉં અને ચણા સહિતના ઉભા પાકને પાણી ભરાઈ જવાથી નુકસાન પહોંચ્યું છે. આ પંથકમાં આવેલા મોટભાગના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણી ખેતરોમાં ઘૂસતા અંદાજે 5થી 7 હેકેટરમાં ખેતીને નુકસાન થવાની ભીતિ છે.
પાણી ખેતરમા ઘુસતા અંદાજે 5 થી 7 હેકટરમા ખેતીને નુકસાન થતા આ ખેડૂતોને રાતા પાણી એ રડવાનો વારો આવ્યો છે
અધિકારીએ દોષનો ટોપલો ઢોળ્યો ખેડૂતો પર
આ બાબતે ગુજરાત કડાણા ડાબા કાંઠા નહેરના નાયબ કાર્યપાલક ઈજનેર આર.એફ.ગરાસીયા સાથે વાત ગુજરાત તકના સંવાદદાતા વિરેન જોશીએ ટેલિફોનિક વાત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે, ખેડૂતો ઢાળિયો કરી દેતા હોય છે અને પછી ખોલતા નથી માટે ખેડૂતોની ભૂલના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ડેમમાંથી પાણી ઓછું છોડવાનું કરાવી દીધું છે સ્ટાફની કમી છે હું ચેક કરાવી લઉં છું.
જે ખેડૂત ને નુકશાન થયું તે ખેડૂતે શુ કીધું
ખેડૂત રમેશભાઈ પટેલના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને તેમણે કહ્યું હતું કે, કડાણા ડાબાકાંઠા કેનાલના અધિકારીઓને કેનાલ લીકેજ થાય છે તેમ વારંવાર લેખિત તેમજ મૌખિક જાણ કરવા છતાં અધિકારીઓ કાઈ કામગીરી કરતા નથી અને લાખો રૂપિયા ખર્ચ કરીને સરકારે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એ માટે વ્યવસ્થા કરી છે, પણ કેનાલ ઠેર ઠેર પુરી દેવામાં આવી છે અને દર વખતે આવી રીતે કેનાલ ઓવરફ્લો થવાથી પાકને નુકશાન થાય છે.