ફરી પડ્યો ખાતરનો ડખોઃ અછતની પરિસ્થિતિથી જામનગરના ખેડૂતોમાં નારાજગી

દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર શહેર જિલ્લામાં ખેતી માટે અતિ આવશ્યક એવા ખાતરની અછતની બૂમરાણ ઉઠી છે ! જેને કારણે ખેડૂતો ભારે પરેશાન છે. શહેરમાં સતત બીજા…

gujarattak
follow google news

દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર શહેર જિલ્લામાં ખેતી માટે અતિ આવશ્યક એવા ખાતરની અછતની બૂમરાણ ઉઠી છે ! જેને કારણે ખેડૂતો ભારે પરેશાન છે. શહેરમાં સતત બીજા દિવસે ખાતરની રાડ પડી છે. ખેડૂતોમાં રોષ તથા નારાજગી જોવા મળી રહી છે.

જામનગરમાં એક દિવસ પેહલા સોમવારે પણ ખાતરની અછતની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ આજે મંગળવારે પણ ખેડૂતો ખાતર માટે તરસી રહ્યા છે. જેને પગલે ભારે હોબાળો મચી ગયો છે. શહેરનાં રણજિતસાગર રોડ પર ખેડૂતોનાં ટોળાં ખાતર ડેપો આસપાસ તીડની માફક ઉતરી પડ્યા છે. વરસાદી વિરામને કારણે વરાપ નીકળ્યો હોય, ખેડૂતો પોતાના વાડી-ખેતરોમાં પાકોને યુરિયા ખાતર આપવા કામ કરી રહ્યા છે. પાકોને બચાવવા મહેનત કરી રહ્યા છે. બરાબર એ જ સમયે ખાતરની અછતની સ્થિતિને લઈને ખેડૂતોમાં ભારે ઉચાટ અને તીવ્ર નારાજગી જોવા મળી રહી છે.

રોજ સવારે 5 વાગ્યાથી ખેડૂતોને દોડધામ
ખેડૂતો કહે છે કે ત્રણ ત્રણ દિવસથી ખાતર માટે ખેડૂતો રોજ સવારે પાંચ વાગ્યાથી રઘવાયા માફક દોડધામ કરી રહ્યા છે, છતાં એક થેલી ખાતર પણ મળતું નથી. ખાતરની ગાડીનો બારોબાર વહીવટ થતો હોવાની પણ આશંકા તેમને થઈ રહી છે. રણજિતસાગર રોડ પર આવેલા કિસાન સુવિધા કેન્દ્ર પર એક ગાડી ખાતર આવે છે. 400 થેલી ખાતર આવે છે. સામે ખાતર મેળવવા લાઈનમાં 400 ખેડૂતો ઊભા હોય છે. આ સ્થિતિમાં ખેડૂતોને ખાતર કેવી રીતે મળે ? ખેડૂતોને પાકમાં નાંખવા ટાણે સહેલાઈથી ખાતર ન મળે તો શું કામનું ?! સરકાર કહે છે : પુરતું ખાતર છે. તો પછી ખેડૂતોની આ કેન્દ્ર પર આટલી લાંબી લાઈનો શા માટે લાગી રહી છે ?! જામનગરમાં આ સ્થિતિ શા માટે ?! સરકારી ડેપોમાં ખાતર શા માટે નથી મળતું ?

GUJARAT ના નવસારીમાંથી મળ્યો અલભ્ય ખજાનો, MP ના પોલીસ કર્મચારીઓ લૂંટી ગયા

ખેડૂતો કહે છે, છેલ્લા 10-15 દિવસથી અમો સેંકડો ખેડૂતો ખાતર માટે પરેશાન છીએ. છતાં ખેડૂતને ખાતરની એક બાચકી મળતી નથી ! કેન્દ્ર પર ખાતરની ગાડી આવે છે પરંતુ ખેડૂતનો વારો આવે ત્યાં સુધીમાં ગાડીમાં ખાતર ખાલી થઈ જતું હોય છે. ખેડૂતોને ખાતર મળતું નથી. સરકારે ખાતરનો પૂરતો જથ્થો આપવો જોઈએ. બધાં જિલ્લાઓમાં ખાતર મળે છે, જામનગરમાં ખાતરની અછતની સ્થિતિ શા માટે ?! ખાતર ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં આપવામાં આવતું નથી. ખેડૂતોએ ખાતરની ગાડીને રોડ પર રોકવી પડે છે. અંદાજે 300-400 ખેડૂતો ખાતર વિના પરેશાન છે.

શું કહે છે તંત્ર
શહેરનાં રણજિતસાગર રોડ પર જીએટીએલ કંપનીનું કિસાન સુવિધા કેન્દ્ર ચલાવતાં સંદિપ વામજા કહે છે : શુક્રવારે, શનિવારે તથા સોમવારે ખાતરની એક એક ટ્રક આવી હતી. આજે મંગળવારે ખાતરના બે ટ્રક આવ્યા છે. જેમાં 50 ટન ખાતર છે. આજે ખાતરની કુલ 1,112 બેગ આવી છે. આશરે 300 ખેડૂતો પૈકી દરેક ખેડૂતને 4-4 થેલી ખાતર વિતરણ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તકે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તેઓ કહે છે, ખાતરનો ટ્રક બારોબાર જતો ન હતો. ખેડૂતોની બીકે ખાતરની ગાડીનાં ચાલકે ટ્રકને થોડે દૂર લઈ જવા પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવર ભાગી ગયો નથી.

અત્રે નોંધનીય છે કે, જામનગર કૃષિમંત્રીનો જિલ્લો હોવા છતાં શહેર અને જિલ્લામાં ખાતરની જે રાડ પડી રહી છે, તેને કારણે સમગ્ર રાજ્યમાં ભારે બૂમરાણ સાંભળવા મળી રહી છે. હાલમાં ખેડૂતોને જરૂરિયાતની સામે એકદમ મર્યાદિત પ્રમાણમાં એટલે કે, ખાતરની માત્ર 3-4 બેગ મળી રહી હોય ખેડૂતોમાં નારાજગી તથા આક્રોશ છે. અત્રે એ પણ નોંધનીય છે કે, ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે છતાં પણ તેઓને જરૂરિયાત જેટલું ખાતર મળતું નથી. આથી ખેડૂતો ચિંતામાં છે અને નારાજ પણ છે.

    follow whatsapp