Ahmedabad News: ફેમિલી કોર્ટમાં પતિ અને પત્ની વચ્ચે ડિવોર્સ અને ભરણપોષણનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. જેમાં સાસુ-સસરાથી અલગ રહેવાની જીદ પતિએ પૂરી ન કરતા પત્નીએ ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી કરી હતી અને ભરણપોષણની માગણી કરી હતી. ત્યારે ફેમિલી કોર્ટે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે, પત્ની પોતાની જીદ પૂરી કરવા પતિને માતા-પિતાથી અલગ રહેવા જીદ ન કરી શકે. પરિવારથી પતિને અલગ પાડવાને ક્રૂરતા ગણાવી કોર્ટે નોંધ્યું કે, પતિની મિલકતમાં ભાગ લેવા માટે પત્નીએ સાસુ-સસરાની સેવા કરવી પડે. આ સાથે કોર્ટે પત્નીની ડિવોર્સની અરજીને ફગાવી દીધી હતી.
ADVERTISEMENT
2006માં યુવકના લગ્ન થયા હતા
વિગતો મુજબ, ગાંધીનગરમાં રહીને સોના-ચાંદીનો વ્યવસાય કરતા 24 વર્ષના યુવકના 2006માં સુરેન્દ્રનગરની યુવતી સાથે લગ્ન થયા હતા. યુવકનો પરિવાર સંયુક્ત કુટુંબમાં રહેતો હતો. લગ્ન બાદથી જ પત્નીએ ઝઘડા શરૂ કર્યા અને પરિવારના સભ્યો સાથે બેસતી કે બોલતી નહોતી. શરૂઆતમાં પતિને નવા નવા લગ્ન હોવાથી આવું થતું હોવાનું લાગ્યું પરંતુ બાદમાં ઝઘડા વધતા ગયા અને યુવકના સાસુ બીમાર થયા તો સેવા કરવાના બદલે જમવાનું પણ પોતાના રૂમમાં મગાવવા લાગી.
પરિવારે મનાવવા છતી પત્ની પરત ન આવી
બાદમાં 2012માં એક દિવસ પત્ની કોઈને કહ્યા વગર જ ઘરેથી અડધી રાત્રે નીકળી ગઈ. બીજા દિવસે આખો પરિવાર તેને લેવા માટે પિયર ગયો તો પત્નીએ કોઈને ઘરમાં ન આવવા દીધા. સાસુ-સસરાએ માફી માગવા છતાં ઘરમાં આવવા માટે ટસની મસ ન થઈ. આ બાદ યુવતીએ ડિવોર્સ અને ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જોકે તમામ બાબતો ધ્યાને લીધા બાદ કોર્ટે કહ્યું કે, પત્નીએ ક્યારેય પતિને સહકાર નથી આપ્યો અને માત્ર માગણી કરી છે. પત્ની સાસુ-સસરાની સેવા કરવા તૈયાર હોય તો તેને ભરણપોષણ મળી શકે. આમ કહીને તેની અરજી ફગાવી હતી. જેની સામે પત્નીએ હવે હાઈકોર્ટમાં ચુકાદો પડકાર્યો છે.
ADVERTISEMENT