Mehsana News: શનિવારે સવારે જમ્મુ-તાવી ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળતા જ મહેસાણા રેલ્વે સ્ટેશન ઉપર પોલીસ દોડતી થઈ હતી. ટ્રેનના 19 ડબ્બા તપાસતા તેમાંથી બ્લુ રંગની લાવારીશ બેગ મળી આવી હતી, તેના માલિકની શોધખોળ કરતા પોલીસને હાથે આખરે એક યુવક લાગ્યો હતો. જેની પૂછપરછમાં બીજો જ ચોંકાવનારો ખુલાસો થયો હતો. હકીકતમાં યુવક 3 વર્ષથી બેરોજગાર હોવાથી તણાવમાં આવીને આપઘાત કરવા માટે ઘરેથી નીકળ્યો હતો અને તેની બેગમાંથી પોલીસને ઝેર પણ મળ્યું હતું. હાલમાં યુવકને માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પોલીસને સવારે મળ્યો ટ્રેનમાં બોમ્બવાળો મેસેજ
વિગતો મુજબ, જમ્મુ-તાવી ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ સવારે 11.30 વાગ્યે પોલીસને મળ્યો હતો. જે બાદ પોલીસ વિભાગ દોડતું થયું હતું. મહેસાણા રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેન આવતાની સાથે જ રેલવે, આરપીએફ તેમજ મહેસાણાના SP સહિતનો પોલીસ કાફલો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ઉપર પહોંચી ગયો હતો. અહીં ડોગ સ્કોડ સાથે એક કલાક સુધી તમામ ડબ્બાઓની ચકાસણી કરી હતી, પરંતુ બોમ જેવું કંઈ ન મળતા પોલીસે હાસકારો અનુભવ્યો હતો.
કોચમાંળી મળી અજાણી બેગ
જોકે એક ડબ્બામાંથી બ્લુ કલરનો થેલો મળી આવ્યો હતો. જેની પોલીસે તપાસ હાથ ધરી હતી. આખરે તે યુવકને પોલીસ શોધી કાઢે છે. જે બાદ યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ મામલે DSP રેલવે અમિત મીણાએ જણાવ્યું કે, ટ્રેનમાંથી મળી આવેલી બેગને આધારે પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન એક વ્યક્તિ પોલીસને હાથ લાગ્યો હતો. તેની પૂછપરછ તેણે જણાવ્યું કે, તે ઘણા સમયથી નોકરી ન હોવાના કારણે માનસિક રીતે પીડાતો હતો, અને ઘરેથી આપઘાત કરવા માટે નીકળ્યો હતો. તેની બેગમાંથી પણ પેસ્ટિસાઈડ જેવું લિક્વિડ મળી આવ્યું છે. તો આપઘાત કરવા રાજસ્થાન જઈ રહ્યો હતો, પરંતુ બેગ પોલીસના હાથમાં આવી જતા પકડાઈ ગયો હતો.
યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
તેમણે વધુમાં જણાવ્યું કે, આ બાદ યુવકના પરિવારજનો સાથે પણ વાત કરી હતી, જેમાં તેની પાસે લાંબા સમયથી નોકરી ન હોવાથી તણાવમાં હતો. હાલમાં યુવકની માનસિક સ્થિતિ બરાબર ન હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
(કામિની આચાર્ય, મહેસાણા)
ADVERTISEMENT