હેતાલી શાહ/ખેડા: થોડા દિવસ પહેલાં ખેડા જિલ્લાના ડાકોરમાંથી 60 જેટલી બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટનુ કૌભાંડ ઝડપાયું હતું. જેમાં ખેડા એલસીબીની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં આજે મુખ્ય સૂત્રધારને એલસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવીને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી પાસેથી અન્ય એક મુખ્ય સૂત્રધારનુ નામ પણ સામે આવ્યુ છે. જેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
ADVERTISEMENT
થોડા દિવસ પેહલા ખેડા જિલ્લાના ડાકોરમાંથી એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ બોગસ માર્કશીટ કૌભાંડમાં ઠાસરા તાલુકાના નેસ ગામમાં રહેતો તેમજ ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં રહેતા યુવકની અટક કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન આ બનાવટી માર્કશીટ તેઓ યુપીના ડોક્ટર અખિલેશ પાંડે પાસેથી લાવતા હોવાની કબુલાત કરતા પોલીસ દ્વારા અખિલેશને પકડી પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. એલસીબીની એક ટીમ અખિલેશ પાંડેની તપાસમાં હતી. ટીમ દ્વારા અખિલેશને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. પોલીસે અખિલેશને ઉત્તરાખંડ રાજ્યના દેહરાદુનથી છટકું ગોઠવી દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. જ્યાંથી એલસીબીએ તેની ધરપકડ કરી હતી.
ઉત્તરાખંડથી ચલાવતો સમગ્ર નેટવર્ક
પ્રાથમિક તપાસમાં મુખ્ય સૂત્રધાર અખિલેશ પાંડે ડુપ્લીકેટ માર્કશીટનું સમગ્ર નેટવર્ક ઉત્તરાખંડથી ચલાવતો હોવાનું તથા અન્ય એક મુખ્યસૂત્રધાર હરીશ કુમાર ઉર્ફે રાજકુમારનું પણ નામ સામે આવ્યુ છે. જેમાં આ રેકેટમાં હજી પણ અન્ય નામો સામે આવે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે.
ફોન દ્વારા જ ડુપ્લિકેટ માર્કશીટ બનાવી નાખતો
હાલ તો ખેડા પોલીસે અખિલેશને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી અખિલેશ ફોન દ્વારા હરિશ શર્મા ઉર્ફે રાજકુમારને માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવીને મોકલતો હતો. સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અખિલેશ પાંડે હોટલ મેનેજમેન્ટનો ટ્રેનર છે. અખિલેશ અગાઉ આણંદ, અમદાવાદ, દિલ્હી, હરિયાણા જેવા રાજ્યોમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક તરીકે નોકરી કરી ચૂક્યો છે.
ગુજરાતમાં પણ નોકરી કરી ચૂક્યો છે આરોપી
અખિલેશ દ્વારા કેટલા ડુપ્લીકેટ સર્ટિફિકેટ અને માર્કશીટ વેચવામાં આવ્યા છે અને કોને કોને ? તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બેન્ક સ્ટેટમેન્ટ, ઓનલાઇન લેવડદેવડની પણ પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે. મહત્વનું છે કે, અખીલેશ પાંડે જ્યારે આણંદ-બાકરોલ રોડપર આવેલ એક ઇન્સ્ટિટ્યૂટમા ફુડ મેનેજમેન્ટ વિભાગમા લેકચર લેતો હતો. દરમિયાન તે ડાકોરના નેશ ગામના કિરણના સંપર્કમાં આવ્યો હતો અને કમીશન લઈને આ ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્ર કુરીયર દ્વારા મોકલી આપી આ રેકેટ ચલાવવામાં આવતુ હતું.
ADVERTISEMENT