અમદાવાદ: બોટાદના લઠ્ઠાકાંડના પડધા હજુ શમ્યા નથી ત્યારે રાજ્યના અન્ય શહેરોમાંથી પણ નકલી અને ભેળસેળ યુક્ત દારૂ ઝડપાઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં પણ નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ભંગારના ગોડાઉનમાં વિદેશી દારૂની મોંઘી બોટલોમાં નકલી દારૂ ભરીને આરોપીઓ તેને વેચી દેતા હતા. જોકે બાતમીના આધારે PCBની ટીમે દરોડા પાડતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ADVERTISEMENT
ભંગારના ગોડાઉનમાં ભેળસેળ યુક્ત દારૂ બનતો
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં બનતો વિદેશી દારૂ PCBની ટીમે ઝડપી પાડ્યો હતો. આ ગોડાઉનમાં શંકર મારવાડી અને મોહમ્મદ છીપા નામના આરોપી એસેન્સ, આલ્કોહોલ અને પાણી મિક્ષ કરીને દરરોજ અલગ અલગ મોંઘી કિંમતનો ઈંગ્લીશ દારૂ બનાવીને બોટલોમાં સીલ કરીને તેને વેચી દેતા હતા. શંકર મારવાડી નામના આરોપીએ આ જગ્યા 10 હજાર રૂપિયાના માસિક ભાડે રાખી હતી. છેલ્લા 6 મહિનાથી શંકર અને મોહમ્મદ છીપા નામના આરોપી દારૂની ખાલી બોટલો લાવીને નકલી ઈંગ્લિશ દારૂ બનાવી તેમાં ભરીને વેચી દેતા.
પોલીસથી બચવા ગોડાઉનમાં 3 કૂતરા રાખ્યા હતા
PCBની ટીમે ચોક્કસ માહિતીના આધારે ન્યૂ રાણીપના આ ગોડાઉનમાં રેડ કરતા આખું ગોડાઉન જ કાચની બોટલોથી ભરેલું હતું. મહત્વનું છે કે પોલીસથી બચવા અને આ ગોડાઉનમાં અજાણ્યો વ્યક્તિ અંદર પ્રવેશીના શકે તે માટે 3 કુતરાઓ રાખ્યા હતા. જેથી કોઈ બહારની વ્યક્તિ આવે તો કૂતરા સીધા તેના હુમલો કરે. હાલ PCBએ બાતમીના આધારે રેડ કરીને મોહમ્મદ છીપા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે શંકર મારવાડી નામના ફરાર આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ શરૂ કરી છે.
દારૂની ભઠ્ઠીઓ શોધવા ડ્રોનની મદદ લઈ રહી છે પોલીસ
નોંધનીય છે કે, બોટાદના લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસે અચાનક એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યભરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. સુરતમાં પણ તાજેતરમાં ડ્રોન કેમેરાની મદદથી પોલીસ દ્વારા નદીના પટમાં ચાલતી ભઠ્ઠીઓ શોધી કાઢીને તેને બંધ કરાવવામાં આવી હતી.
ADVERTISEMENT