ચેકિંગના બહાને ચાલકોને લૂંટતો નકલી CBI અધિકારી ઝડપાયો, ગુજરાત સહિત 7 રાજ્યોમાં લોકોને શિકાર બનાવ્યા

અમદાવાદ: ગુજરાતમાં સરકારી અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજોના એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે હવે નકલી CBI બનીને લોકો પાસે…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં સરકારી અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજોના એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે હવે નકલી CBI બનીને લોકો પાસે છેતરપિંડી આચરનારા એક આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. આરોપી અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ અનેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.

મધ્યપ્રદેશના સુલતાનખાનની અમદાવાદથી ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મધ્યપ્રદેશના સુલતાનખાન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની ધરપકડમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા અને તેણે અત્યાર સુધીમાં 30 જેટલા ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી સુલતાનખાન નિવૃત્ત CBI ઓફિસર રાજેશ મિશ્રાનું નામ ધારણ કરીને તેમના નામનો પોલીસ ડ્રેસવાળું આઈડાર્ક બનાવ્યું હતું. તે CBI ઓફિસર બનીને ચેકિંગના બહાને લોકોની બેગમાંથી પૈસા-દાગીના પડાવી લેતો હતો.

પોલીસ સ્ટેશનથી 500-1000 મીટર દૂર લોકોને લૂંટતા
સુલતાન અને તેની ગેંગ પોલીસ સ્ટેશનથી માંડ 500-1000 મીટર દૂર ચેકિંગ પોઈન્ટના બહાને ઊભા રહેતા હતા. અહીં વાહન ચેકિંગના બહાને વૃદ્ધો, મહિલાઓ અને ધનિક લોકોને ટાર્ગેટ કરવામાં આવતા. આરોપી પોતે પોલીસનો ડ્રેસ પહેરીને કારમાં બેસતો જ્યારે તેના માણસો DCP હોવાની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા પડાવી લેતા હતા. સુલતાનખાન અને તેની ઈરાની ગેંગે ગુજરાત સહિત પંજાબ, હરિણાયા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ, ઓરિસ્સામાં ગુનાઓ આચર્યા હતા.

રસ્તે જતા લોકોને પણ બનાવતા શિકાર
સુલતાન અને તેની ગેંગના સાગરીતો રસ્તે જતા લોકોને પણ ટાર્ગેટ કરતા.કોઈ મહિલા સોનાના દાગીના પહેરીને રસ્તે જતી હોય તો તેમને રોકીને આગળ ચોરી કરતી ગેંગ આવેલી હોવાનું જણાવી દાગીના બેગમાં મુકવાનું કહેવાતું. આ દરમિયાન તેમની ગેંગનો જ એક સાગરીત દાગીના ઉતારી નાખતો, જેથી અન્ય લોકોને પણ વિશ્વાસ આવે અને તેઓ પણ પોતાના દાગીના ઉતારી નાખતા હતા. દરમિયાન પર્સમાં દાગીના મૂકતી વખતે નજર ચૂકવીને તેના સાગરીતો તેને પડાવી લેતા હતા.

રખિયાલમાંથી ઝડપાયો ઠગ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રખિયાલ વિસ્તારમાંથી આ નકલી સીબીઆઈ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પોલીસે આરોપી સુલતાનખાનની ધરપકડ કરીને તેણે અન્ય કેટલા ગુનાઓ આચર્યા છે અને તેની ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે સહિતના પ્રશ્નોને લઈને તપાસ હાથ ધરી છે.

    follow whatsapp