હાલ લોકસભા ચૂંટણી 2024 ની તૈયારીઓ તમામ પક્ષો તડામાર રીતે કરી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતાઓ મહત્તમ છે. જો કે ભરૂચ વિધાનસભા મામલે બંન્ને વચ્ચે મામલો ફસાયો છે. ભરૂચ લોકસભામાં અહેમદ પટેલનો પરિવાર બેઠક છોડવા માટે તૈયાર નથી તો બીજી તરફ આપ તરફથી ચૈતર વસાવા દ્વારા ઢીલ મુકાય તેવી કોઇ શક્યતા નથી. તેવામાં બંન્ને પક્ષો વચ્ચે પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ ચરમ પર
બીજી તરફ ભરૂચ લોકસભા મામલે કદાચ કોંગ્રેસને બેઠક મળી પણ જાય તો અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ અને તેમના જ સગા બહેન મુમતાઝ પટેલ વચ્ચે પણ વિવાદ છે. બંન્ને આ બેઠક પરથી દાવો ઠોકી રહ્યા છે. તેવામાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ટ્વીટના કારણે હાલ ફરી ચર્ચા ચાલુ થઇ ચુકી છે.
ફૈઝલે ટ્વીટ કરી રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કર્યો
ફૈઝલ પટેલે ટ્વીટ કર્યું કે, "માનનીય શ્રી રાહુલ ગાંધીજી, તમે મારી અને ભરૂચ કોંગ્રેસી કાર્યકર્તાઓની વાત સાંભળી, અમારી વાતનું સમર્થન કરીને મારુ અને ભરૂચના કોંગ્રેસી કાર્યકરોનું સન્માન વધાર્યું છે. હું તમને વચન આપુ છું કે ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ"
આપ-કોંગ્રેસ વચ્ચે પહેલાથી જ કોલ્ડ વોર
આ ટ્વીટનો સીધો જ અર્થ છે કે, ફૈઝલ પટેલને લોકસભા ટિકિટ મળવાનું નક્કી થઇ ચુક્યું છે. અથવા તો તે પ્રેશર પોલિટિક્સ રમી રહ્યા છે. આ પ્રકારના ટ્વીટના કારણે ન માત્ર કોંગ્રેસ પરંતુ આમ આદમી પાર્ટી પર પણ પ્રેશર બનાવી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઠબંધનની વાતો છતા પણ આમ આદમી પાર્ટી પહેલાથી જ ચૈતર વસાવાને પોતાના ઉમેદવાર જાહેર કરી ચુકી છે. તેવામાં કોંગ્રેસ દ્વારા કે પછી ફૈઝલ પટેલ દ્વારા આ પ્રેશર ક્રિએટ કરાઇ રહ્યું છે તે તો સમય જ કહેશે. હાલ તો ટ્વીટ બાદ સમગ્ર મામલો ગરમાઇ ગયો છે.
ADVERTISEMENT