રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અગાઉ રાજકોટ શહેરમાંથી મોટી માત્રામાં જિલેટિન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ તથા બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ગત તારીખ 6 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાપાસરી ગામે રાજહંસ કંપનીમાંથી જિલેટિન સ્ટિકની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
જો કે બે દિવસથી ચોરી કરી ચોર નાસી ગયો હોવાથી તેની શોધમાં રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે SOG ક્રાઇમ બ્રાન્ચ સહીત શહેર ભરની પોલીસ લાગી ગઈ છે. દરમિયાન અત્યંત હાઇપ્રોફાઇલ ગેસ્ટ આવી રહ્યા હોવાનાં કારણે પોલીસને વરસાદી વાતાવરણ છતા પરસેવો વળી રહ્યો છે અને ઉચ્ચ અધિકારીઓને એસી ચેમ્બરમાં પણ પરસેવો વળી રહ્યો છે. સમગ્ર શહેરની પોલીસ હાલ માત્ર જિલેટીનની જ શોધ કરી રહી છે.
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાપાસરી ગામ ખાતે રાજહંસ નામની સ્ટોન કટિંગ કંપનીમાંથી જિલેટિન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ તેમજ બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવી છે. રાજહંસ કંપનીના માલિક એભલભાઇ જલુએ આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીના આગમન પૂર્વે જિલેટિન સ્ટિકની ચોરી ઘટનાથી સમગ્ર રાજકોટની પોલીસ દોડતી થઇ છે. આરોપીની શોધખોળ હાથ ધરી છે. જેમાં પોલીસની સાથે તમામ એજન્સીઓ ચોરને પકડવામાં પ્રયત્નો હાથ ધર્યા છે. આ સાથે પ્રધાનમંત્રીના કાર્યક્રમને પગલે કેન્દ્રીય એજન્સીઓ,એટીએસ સહિતની ટીમો રાજકોટમાં અગાઉથી જ પહોંચી ચુકી છે. જેના કારણે હવે આ એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઇ છે.
ADVERTISEMENT