ગાંધીનગર : વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં આખી સરકાર ફેરવીને લોકોને આશ્ચર્યચકિત કરનાર ભાજપે હવે અચાનક બે મંત્રીઓના મંત્રાલય છીનવીને લોકોને આશ્ચર્યકિત કરી દીધા છે. એક તરફ ભાજપ હાલ પોતાના તમામ દમખમ સાથે ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી આવવાનાં કારણે ગુજરાત સ્તરે પણ ભાજપ માટે મોટા પડકારો ઉભા થયા છે. વર્ષોથી નિષ્ક્રિય કોંગ્રેસ પણ સક્રિય થઇને ભાજપને કનડી રહી છે. આ ઉપરાંત લોકોમાં ભાજપ પ્રત્યે ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા હોય કે સરકારી ભરતી કૌભાંડ તમામ મુદ્દે લોકોમાં ભારે અસંતોષ છે. તેવામાં બે મંત્રીઓનાં રાજીનામાં ખુબ જ સુચક છે.
ADVERTISEMENT
કાર્યકર્તાઓમાં અને મંત્રી તથા અધિકારીઓમાં પણ ત્રિવેદીની કાર્યશૈલી બાબતે કચવાટ હતો
જો કે આની પટકથા લાંબા સમયથી લખાઇ હતી. કાલે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદ આવ્યા હતા. તેઓએ ઇસ્કોન મંદિર ખાતે પ્રભુના દર્શન કર્યા હતા. જો કે વિશ્વસ્થ સુત્રો અનુસાર મોડી રાત્રે તેમણે એક હાઇલેવલ મીટિંગ બોલાવી હતી. જેમાં આમ આદમી પાર્ટીની સ્ટાઇલથી કામ કરી રહેલા રાજેન્દ્ર ત્રિવેદી અંગે ચર્ચા કરી હતી. તેઓ ફરિયાદ મળતા પોતે જ સ્થળ પર પહોંચીને દરોડા પાડતા હતા. અધિકારીઓને લાલીયાવાડી ખુલ્લી પાડીને અધિકારીઓને તત્કાલ ખખડાવવાથી માંડીને સસ્પેન્ડ કરવા સુધીના પગલા ઉઠાવતા હતા. જેના પગલે અધિકારીઓમાં ભારે અસંતોષ હતો. આ ઉપરાંત કાર્યકર્તાઓમાં પણ રાજેન્દ્ર ત્રિવેદીના કડક વલણથી ચૂંટણી ટાણે આવક ઘટવાના કારણે ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. જેની અસર છેક ઉપરના સ્તર સુધી જોવા મળી રહી હતી. સામાન્ય રીતે કાર્યકર્તાઓ આવા વિવાદિત જમીન સોદાઓની પતાવટ કરીને ખર્ચાપાણી કાઢતા હોવાની માન્યતા છે. તેવામાં રાજેન્દ્ર ત્રિવેદીના કડકવલણથી અધિકારીઓમાં ફફડાટ હતો. જેના કારણે મોટા મોટા નેતાઓ કામ પણ અટવાઇ પડ્યા હતા. ચૂંટણી ટાણે કાર્યકર્તાઓનો અસંતોષ ખાળવો પાટીલ માટે પણ મુશ્કેલ થઇ રહ્યો હતો.
સી.આર પાટીલે ચાલુ સભાએ ફોન આવ્યો અને ગેમ પલટાઇ ગઇ?
સી.આર પાટીલથી માંડીને અધિકારીઓ સુધીએ આ અંગે ફરિયાદ કરી હતી. જેના કારણે આખરે મોડી રાત્રે પાટીલ સહિત પદાધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ અમિત શાહે અહેવાલ PM મોદીને મોકલ્યો અને બપોરે ચાલુ સભામાં સી.આર પાટીલને ફોન આવ્યો. પાટીલને વિભાગો છીનવી લેવા માટે કહેવામાં આવ્યું. વડાપ્રધાન મોદીનો સીધો જ ફોન આવવાના કારણે પાટીલે પોતાની સભાનું સંબોધન વચ્ચેથી અટકાવીને વાત કરી હતી. ત્યાર બાદ તેઓના હાવભાવ જ ઘણુ કહી આપતા હતા. તેઓ આ સભા પુર્ણ કર્યા બાદ કાર્યવાહી આરંભી અને ત્રિવેદી પાસેથી મહેસુલ અને કાયદા મંત્રાલય છીનવી લેવા માટેનો તખ્તો તૈયાર થઇ ગયો હતો. કાલે અધિકારીક જાહેરાત થાય તે પહેલા જ આ સમાચાર આજે જ લીક થઇ ગયા હતા. જો કે હાલ આ તમામ સમાચાર સુત્રોના હવાલાથી જ હવામાં તરી રહ્યા છે. આ અંગે હજી સુધી કોઇ અધિકારીક રીતે કાંઇ પણ બોલવા પણ તૈયાર નથી કે કોઇ નોટિફિકેશન પણ આવ્યું નથી. તેવામાં કાલે નોટિફિકેશન આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT