Exclusive: ગુજરાતના દરિયાકાંઠે સતત મળી આવતા બિનારસી હાલતમાં ડ્રગ્સ મામલે થયો મોટો ખુલાસો

Kutch News: છેલ્લા એક મહિનાથી સતત ગુજરાત સહિત મહારાષ્ટ્રના દરિયા કાંઠે ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવવાના સમાચાર સતત મળી રહ્યા છે, આ બધાની વચ્ચે…

gujarattak
follow google news

Kutch News: છેલ્લા એક મહિનાથી સતત ગુજરાત સહિત મહારાષ્ટ્રના દરિયા કાંઠે ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવવાના સમાચાર સતત મળી રહ્યા છે, આ બધાની વચ્ચે તમામ લોકોના મનમાં એક જ સવાલ છે કે આ રીતે ડ્રગ્સ સતત દરિયા કાંઠે કઈ રીતે મળી રહ્યું છે અને કોણે આ ડ્રગ્સ દરિયા કાંઠે મૂકી જતું હશે? આ તમામ બિનવારસી ડ્રગ્સ ના પેકેટ બાબતે Gujarat Takના Exclusive રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે.

દરિયાકાંઠે ક્યાંથી આવી રહ્યું છે ડ્રગ્સ?

ગુજરાત Tak સાથે વાતચીત કરતા એક રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દરિયાકાંઠે સતત મળી રહેલા બિનવારસી ડ્રગ્સ પાછળ પાકિસ્તાન સ્થિત ડ્રગ્સ માફિયાઓ જવાબદાર હોઈ શકે છે. કારણ કે 2023 ફેબ્રુઆરી અંતમાં પાકિસ્તાનના દરિયાઈ વિસ્તારમાં એક બોટમાં કરોડોનું ડ્રગ્સ અન્ય સ્થળ પર પહોંચાડવા માટે જ્યારે બોટ રીસીવર સુધી પહોંચે એ પહેલાં મધ દરિયે આ ડ્રગ્સના જથ્થા સુધી પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA) ની ટીમ બોટને દુરથી જોઈ ગઈ હતી. ડ્રગ્સ માફિયાઓ બોટમાંથી કરોડોની કિંમતના ડ્રગ્સના પેકેટ દરિયામાં નાખી દીધા હતા. PMSA ની બોટ પહોંચે એ પહેલાં જ ડ્રગ્સ માફીયાઓને કુલ 2500Kg ડ્રગ્સનો જથ્થો દરિયામાં નાખી દેતા PMSA ને કંઈ હાથે લાગ્યું. જેથી હવે આ ડ્રગ્સનો જથ્થો ધીરે-ધીરે દરિયા કાંઠા વિસ્તારમાંથી મળી રહ્યો છે.

6 મહિના બાદ ગુજરાત પહોંચી ગયું ડ્રગ્સ

પરંતુ દરિયામાં નાખી દેવાયેલા 2500 Kg ના ડ્રગ્સના પેકેટ જેમાં હેરોઇન અને હશીશ જેવા ડ્રગ્સનો સમાવેશ થાય છે. જે અચાનક 6 મહિના બાદ હવે ગુજરાતના દરિયાકાંઠે દરિયાના મોજા ઓ સાથે સતત કિનારાના વિસ્તાર તરફ આવી રહ્યા છે, જેના કારણે આ ડ્રગ્સના પેકેટ સતત દરિયા કાંઠે મળી રહ્યા છે અને હજુ પણ વધુ ડ્રગ્સના પેકેટ મળી આવે તો નવાઈ નહી કારણ કે સમુદ્રમાં ફેંકી દેવાયેલા ડ્રગ્સનો જથ્થો દરિયાના મોજા સાથે નીચાણ વાળા કિનારાના વિસ્તાર તરફ આવવાનું નક્કી છે. અન્ય એક રક્ષા વિશેષજ્ઞ ના મતે આ ડ્રગ્સનો જથ્થો અન્ય દેશોના દરિયા કાંઠે જેમ કે ચબાહાર અને ગલ્ફ ઓફ ઓમાનના પાસે પણ સમુદ્રી મોજા સાથે તણાઈ ને જઈ શકે છે, આ બાબતે ચોક્કસ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે આ ડ્રગ્સનો જથ્થો કેટલી માત્રામાં કચ્છના દરિયા કાંઠે તણાઈને આવી શકે છે.

194 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર બિશ્નોઈ કોર્ટ હવાલે

તો બીજી તરફ કચ્છના દરિયાકાંઠેથી ઝડપાયેલા 194 કરોડના ડ્રગ્સ કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરાઇ હતી. આ ગુનાની તપાસ પણ એનઆઈએને સોંપવામાં આવી છે ત્યારે આ જ કેસમાં એટીએસની ટીમે UAPA એક્ટનો ઉમેરો કરતા લોરેન્સની તિહાડ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને રિમાન્ડની માંગ સાથે નલિયા કોર્ટમાં રજૂ કરાતા 4 દિવસના રિમાન્ડ મળ્યા હતા. જે રિમાન્ડ આજે પુરા થતા તેને નલિયા કોર્ટ ખાતે લાવી રજૂ કરવામા આવ્યો હતો. જ્યાં કુખ્યાત ગેંગસ્ટર બિશ્નોઇને કોર્ટે જામીન ના આપતા અમદાવાદ જેલ હવાલે મોકલવાનો હુકમ કર્યો હતો.

પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા અને સુપર સ્ટાર સલમાન ખાનને મારી નાખવાની ધમકી સહિત અનેક ગુનાહિત અપરાધમાં આરોપી રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતાં આજે તપાસ એજન્સી દ્વારા અમદાવાદ ખાતેથી લાવી નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની નલિયા કોર્ટમાં આ ચોથી વખત પેસી થઈ હતી.

(કૌશિક કાંઠેચા)

    follow whatsapp