Gujarat Congress News Update: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 બેઠકમાં સમેટાઈ ગયેલી કોંગ્રેસના નવા પ્રાણ પૂરવા માટે શક્તિસિંહ ગોહિલ જિલ્લા સ્તરના માળખામાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યા હોવાની વિગતો મળી રહી છે.
ADVERTISEMENT
કયા નેતાને કયા જિલ્લાની જવાબદારી મળી શકે?
ગુજરાત Takને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ, શક્તિસિંહ ગોહિલ દ્વારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જેમાં પ્રતાપ દૂધાતને અમરેલી જિલ્લા પ્રમુખ, કિશોર ચીખલિયાને મોરબી જિલ્લા પ્રમુખ, લલિત વસોયાને રાજકોટ જિલ્લા પ્રમુખ, અતુલ રાજાણીને રાજકોટ શહેર પ્રમુખ તથા હિંમતસિંહ પટેલને અમદાવાદ શહેર કોંગ્રેસની કમાન સોંપવામાં આવી શકે છે.
લોકસભાની ચૂંટણી આગામી વર્ષે એપ્રિલ સુધીમાં યોજાવાની છે, આ પહેલા ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું અને પાર્ટી વિરોધ પક્ષમાં આવી શકે તેટલી બેઠકો પણ જીતી શકી નહોતી. તો 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો ભાજપે જીતી હતી. ત્યારે ખાસ જોવાનું રહેશે કે શક્તિસિંહ ગોહિલ પોતાની નવી ટીમ સાથે કોંગ્રેસના માળખામાં મોટા ફેરફારો કરી રહ્યા છે, તેનો આગામી ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થશે કે નહીં.
ADVERTISEMENT