ગૌતમ જોશી/ અમદાવાદઃ ગુરૂવારે રક્ષાબંધનના દિવસે આણંદમાં ગાડી, રીક્ષા અને બાઈકનાં અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થતા ચકચાર મચી ગઈ હતી. આ તમામ ભાઈને રાખડી બાંધીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા હતા. તેવામાં જે કાર ચાલક હતો એ સોજિત્રા કોંગ્રેસના ધારસભ્ય પૂનમ પરમારનો જમાઈ કેતન પઢિયાર હોવાનું સામે આવી રહ્યું છે. એટલું જ નહીં તે દારૂના નશામાં ગાડી ચલાવતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. વળી આનો એક વાઈરલ વીડિયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, આ અંગે GUJARAT TAKના સંવાદદાતા સાથે MLA પૂનમ પરમારે વાતચીત કરી હતી. જેમાં તેમણે અકસ્માતને લઈને પોલીસને સઘન તપાસ ધરવા જણાવ્યું છે. ચલો આપણે સમગ્ર ઘટના પર નજર કરીએ….
ADVERTISEMENT
ત્રિપલ અકસ્માત મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ
સોજિત્રાના ડાલી ગામે ગુરૂવારે મોડી સાંજે ભયાનક અકસ્માાત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જઇ રહેલી કાર, બાઇક અને રીક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં રીક્ષા ચાલક સહિત બે લોકોના મોત ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ ચાર લોકોના સારવાર દરમિયાન મોત નીપજતા આ અકસ્માતમાં કુલ 6 લોકોએ જીવ ગુમાવી દીધો છે. આ ઉપરાંત ચોંકાવનારી બાબત છે કે, ગાડીમાંથી MLA ગુજરાત લખેલી પ્લેટ પણ મળી આવી છે.
પૂનમ પરમારે કહ્યું…
ત્રિપલ અકસ્માત મુદ્દે ગુજરાત તકના સંવાદદાતાએ કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમાર સાથે આ ઘટના મુદ્દે વાતચીત કરી હતી. જેમાં પૂનમ પરમારે જણાવ્યું કે આ અકસ્માત મુદ્દે પોલીસે સઘન તપાસ હાથ ધરવી જોઈએ અને કડક કાર્યવાહી પણ થવી જોઈએ. વળી જો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો હોય તો એ પ્રમાણે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.
રિપોર્ટમાં જો આવે કે દારૂ પીધો છે તો કડક કાર્યવાહી થવી જોઈએ- MLA
પૂનમ પરમારે વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે એ જાણીને મને ઘણું દુઃખ થયું છે. તેવામાં અત્યારે મને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કારણ કે અત્યારે મૃતકોના પરિવારને સાંત્વના આપવાને બદલે લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવની ખોટી અફવા ફેલાવી રહ્યા છે. તેવામાં જો રિપોર્ટ્સમાં એમ આવે કે મારા જમાઈએ દારૂ પીધો છે તો એમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
MLAનું બોર્ડ ગાડીમાં રાખવા મુદ્દે પૂનમ પરમારે જણાવ્યું કે મેં આ મુદ્દે વધુ તપાસ નથી કરી પરંતુ રમત રમતમાં ઘરમાં નાના છોકરાએ આ બોર્ડ ગાડીમાં મુકી દીધું હશે. મારા જમાઈ વકીલ છે અને તેમને આ બોર્ડની જરૂર નથી.
ADVERTISEMENT