રાજકોટ : રીબડામાં પટેલ યુવાન પર થયેલા હુમલાના બીજા જ દિવસે જયરાજસિંહ જાડેજા દ્વારા મહાસંમેલન યોજાયું હતું. જેમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ઉદ્યોગપતિ ગોવિંદ સગપરિયા, મગન ધોણિયા, રાજેન્દ્ર જાડેજા, જયંતી સરધારા સહિતના લોકો હાજર રહ્યા હતા. સભામાં રીબડા ગામની મહિલાઓએ ભીની આંખે પોતાની વ્યથા રજુ કરી હતી. તેમણે કહ્યું કે, આજે મહિપતસિંહ જાડેજા અને તેમનો પરિવાર તેમને ઘરની બહાર પણ નિકળવા નથી દેતા અને ત્રાસ ગુજારે છે.
ADVERTISEMENT
આજના દિવસે જ રીબડા આઝાદ થયું છે તેમ સમજો
જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આજના દિવસે 22 ડિસેમ્બરે રીબડા ગામ આઝાદ થયું છે. હું આ ગામનું પગીપણું કરીશ અને રીબડાના મકાન ખાલી છે. જરૂર પડે તો રિબડામાં રહેવા માટે આવીશ. આ પ્રસંગે મોટા પ્રમાણમાં રીબડાની મહિલાઓ સંમેલનમાં હાજર રહ્યા હતા.
મહિપતસિંહનો પરિવાર ખુબ જ પરેશાન કરતો હોવાનો દાવો
મહિપતસિંહ જાડેજા અને તેના પરિવાર દ્વારા ઘરની બહાર નિકળવા દેવાતા નથી. ઘરની આડે વાહનો મુકીને ત્રાસ અપાય છે. ગામના વડીલ વૃદ્ધોને શેરી ગલીઓમાં ફરવાનો ઇન્કાર છે. અમારી જમીનો મહિપતસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા પાણીના ભાવે પડાવી લે છે. પછી તે જ જમીન સોનાના ભાવે વેચી પોતે માલ ખાય છે. દેશ ભલે આઝાદ હોય પરંતુ રીબડા હજી આઝાદ થયું નથી. મહિપતસિંહની ગુલામી અમે આજે પણ સહન કરીએ છીએ. જો કે જયરાજસિંહે કહ્યું કે, તમને આ બધામાંથી મુક્તિ અપાવવાની જવાબદારી મારી છે. હું તમને મુક્તિ અપાવીશ.
હવે રીબડાનો ચોકીદાર આ જયરાજસિંહ બન્યો છે, કોઇને ગભરાવાની જરૂર નથી
જયરાજસિંહે કહ્યું કે, હું ગોંડલ તાલુકાનો ચોકીદાર છું. રીબડાની ચોકાદારી કરવાનો મને તમે લોકોએ મોકો આપ્યો છે. તમે લોકોએ ખરેખર હિંમત દાખવી છે. હું હવે લોકોનું રક્ષણ કરવી મારી ફરજ છે. તમારે કોઇનાથી દબાવવાની જરૂર નથી.
ADVERTISEMENT