મુખ્યમંત્રી આ વખતે નર્મદા જિલ્લામાં બાળકોને કરાવશે શાળા પ્રવેશ

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બોર્ડર વિલેજમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આંગણવાડી, બાલવાટિકાના ભૂલકાઓ અને શાળાના બાળકોને નામાંકન કરી શાળા પ્રવેશ કરાવશે. ગુજરાત રાજ્યમાં…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બોર્ડર વિલેજમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આંગણવાડી, બાલવાટિકાના ભૂલકાઓ અને શાળાના બાળકોને નામાંકન કરી શાળા પ્રવેશ કરાવશે. ગુજરાત રાજ્યમાં આગામી 12થી 14મી જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ- 2024 યોજાશે. જેમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીઓ, સચિવો અને ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ આ શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં જોડાઈને આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ-01માં પ્રવેશપાત્ર બાળકોને નામાંકન કરી શાળા પ્રવેશ કરાવશે. જેની કાર્ય યોજના અને આયોજન અમલવારી અંગે તંત્ર દ્વારા બેઠકો યોજીને પ્રવેશોત્સવ પૂર્વે તૈયારીઓ અને સમીક્ષાનો દૌર શરૂ કર્યો છે. જેનો તાલુકા તેમજ ગ્રામ્ય લેવલે અમલ કરવામાં આવી રહ્યો છે.

ગામના લોકો સાથે અગાઉથી કરાઈ મુલાકાત
શિક્ષણ વિભાગ દ્વારા પણ આ અંગેની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં સાગબારા તાલુકાના જાવલી ગામની પસંદગી કરવામાં આવી છે અને આજે ગુરુવારે સાંજે ગ્રામજનો સાથે સંવાદ અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા બીજેપી અધ્યક્ષ ઘનશ્યામ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રવીદાસ વસાવા સહિત ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના જિલ્લામાં આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સાંજે જાવલી ગામની પ્રાથમિક શાળાના સંકુલમાં ગામલોકો અને વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગામના વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગામ લોકોએ જિલ્લા કલેકટર સમક્ષ ગામના વિદ્યાર્થીઓને તાલુકા મથક સુધી જવા માટે એસ.ટી. બસ, ગામમાં લાયબ્રેરી, યુવાનો માટે રમત ગમતનું મેદાન, આવાસ અને શૌચાલયની યોજનામાં બાકી રહી ગયેલા લાભાર્થીઓને સહાય મળે, સિકલસેલના નિદાન માટે જરૂરી મેડિકલ સુવિધા ઉપલબ્ધ થાય અને આગજનીના સમયમાં ફાયર બ્રિગેડની સુવિધા સરળતાથી મળી રહે તેવી માંગણી ગામલોકો દ્વારા કરવામાં આવી હતી. ગામલોકોની આ માગણીઓ સાંભળી બનતી ત્વરાએ યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરે ખાતરી આપી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ તબક્કે ઘનશ્યામ પટેલે પણ ગામ લોકોને તેમની માગણીઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે આશ્વાસન પુરૂં પાડ્યું હતું.

124 ઊંટ ગુજરાત પોલીસ માટે કેમ છે મહત્વનાઃ રસ્તામાં ચારેય તરફનું પાયલોટિંગ- Video

આંગણવાડીની કલેક્ટરે રૂબરૂ મુલાકાત કરી સ્થળ નિરીક્ષણ કરાયું
એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના બોર્ડર વિલેજના ગામોમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લામાં આવનાર હોય આગામી 13મી જૂને તેઓ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડરના ગામ જાવલી ખાતે એક દિવસીય શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડીના ભુલકાઓ, બાલવાટિકા તેમજ પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવશે તેમજ એસએમ.સી. ના સભ્યો સાથે બેઠક યોજશે અને સરકારી માધ્યમિક શાળા જાવલી ખાતે ગ્રામજનો સાથે વાર્તાલાપ પણ કરશે. સાથે આંગણવાડીના વિકાસના કામોનું ભૂમિપૂજન કરશે અને ગામની શાળાની કમ્પ્યુટર લેબનું ઉદઘાટન પણ કરશે. બાદમાં શાળામાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કરી મૂલ્યાંકન કરશે. શાળા પ્રવેશોત્સવના પેરામીટર્સને ચકાસશે તેમજ સમગ્રતયા શાળાનું મુલ્યાંકન કરશે અને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરશે. નર્મદા જિલ્લાના એક દિવસીય શાળા પ્રવેશોત્સવની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા દ્વારા સાગબારા તાલુકાના બોર્ડર વિલેજ નરવાડી અને ચીકાલી ગામની જિલ્લાના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. શાળામાં ભૌતિક ચકાસણી, સભાસ્થળ, કાર્યક્રમની રૂપરેખા અંગેના આગોતરા આયોજન અંગે અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા આંગણવાડીની રૂબરૂ મુલાકાત કરી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચકાસણી અને પરામર્શના અંતે સાગબારા તાલુકાના જાવલી ગામની મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી છે. મુખ્યમંત્રીની સુરક્ષા, સુગમતાને ધ્યાને રાખી બોર્ડર વિલેજના ગામોની વધુ તપાસ અને સુગમતા રહે તે અંગે જાવલી ગામને પસંદ કરવામાં આવ્યું હતું.

    follow whatsapp