કેવડિયા: રાજ્ય સરકાર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સી-પ્લેન સેવા બંધ કર્યા બાદ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી પિંક રીક્ષાની સર્વિસ પણ બંધ કરી શકાય છે એવા અહેવાલો વહેતા થયા છે. જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા આ અહેવાલોનું ખંડન કરવામાં આવ્યું છે. ઈ-રિક્ષાઓ અને ચાર્જિંગ સ્ટેશનમાં આગની બનતી ઘટનાઓને પગલે એજન્સી દ્વારા જો ઈ-રિક્ષાઓ બંધ કરાય તો આ રીક્ષાઓ ચલાવનારી 100 જેટલી આદિવાસી મહિલાઓ હવે બેકાર થઈ જવાનો ભય વ્યક્ત કરાયો હતો. જો કે SOU દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે આ સમાચાર પાયા વિહોણા છે. તેમાં કોઇ જ તથ્ય નથી.
ADVERTISEMENT
વાહનોનું પ્રદૂષણ ન ફેલાય તે માટે 100 ઈ-રિક્ષા શરૂ કરાઈ હતી
ખાસ વાત છે કે કેવડિયા અને આસપાસના વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલના ધુમાડાથી પ્રદૂષણ ન ફેલાય તે માટે પ્રવાસીઓ માટે 100 જેટલી પિંક ઈ-રિક્ષાઓ શરૂ કરવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 30 જેટલી ઈ-રિક્ષાઓ બળીને ખાખ થઈ ચૂકી છે. ખાનગી એજન્સી KETOને આ ઈ-રિક્ષાનો કોન્ટ્રક્ટ આપવામાં આવેલો હતો. જોકે હાલમાં પ્રવાસીઓ માટે 43 જેટલી બસો કાર્યરત છે જેથી તેમને તકલીફ ન પડે.
2021માં સી-પ્લેન સેવા પણ બંધ કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સાબરમતી રિવરફ્રંડથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેનની સેવા 2020માં શરૂ કરવામાં આવી હતી. જેની પાછળ 13.15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો કે આ મહિનાઓ બાદ આ સેવા શોભાના ગાંઠીયા સમાન બની ગઇ હતી. આ કરોડોનો ખર્ચો પ્રજાના પૈસે તાગડધિન્ના સાબિત થયું હતું. અમદાવાદથી કેવડિયા સુધીની વર્ષ 2020માં શરૂ કરવામાં આવેલી સી પ્લેન સેવા ભવિષ્યે ક્યારે ચાલુ થશે તે અંગે પણ કોઇ માહિતી નથી. અનેક રીતે તે કાયદાકીય પેચમાં ફસાઇ છે. ફોરેન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટ અને ઓપરેશન મેઈન્ટેનન્સની મુશ્કેલી તથા ઓપરેટરને ઓપરેટીંગ માટે ઉંચી કોસ્ટના લીધે નાણાંકીય કારણોસર વર્ષ 2021થી સી પ્લેન સેવા બંધ કરી હોવાનું સરકારે ગૃહમાં અધિકારીક રીતે સ્વિકાર કર્યો હતો.
ADVERTISEMENT