દર્શન ઠક્કર, જામનગર: શહેરમાં સરકારી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસ દ્વારા મારામારી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. કોલેજમાં ડેન્ટલના વિદ્યાર્થીઓ મોડી રાત્રે બર્થડેની ઉજવણી કરી રહ્યા હતા, આ દરમિયાન ખાનગી ડ્રેસમાં આવેલા પોલીસના બે-ત્રણ જવાનોએ આપત્તિજનક શબ્દો બોલીને વિદ્યાર્થીઓને માર માર્યો હોવાના આક્ષેપ થયા છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કોલેજની હોસ્ટેલના કેમ્પસમાં ઘુસીને મારા મારી કરનારા પોલીસના જવાનો દારૂના નશામાં હતા. આ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ મામલે પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે. DYSP વસાવાએ કહ્યું કે, સમગ્ર મામલે વિધાર્થીઓ કે કોલેજ પ્રસાશન દ્વારા ફરિયાદ આપવામાં આવશે તો પ્રાથમિક તપાસ કરી કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
ડેન્ટલ કોલેજમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે મોડી રાત્રે ઘર્ષણના મામલે શહેર DYSP વરુણ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મોડી રાત્રે વિધાર્થીઓ દેકારો કરતા પોલીસ કંટ્રોલમાં ફરિયાદ આવી હતી. ફરિયાદને આધારે પોલીસ પહોંચી હતી . પોલીસે વિધાર્થીઓને સૂચના અપાતા ઘર્ષણ નો બનાવ બન્યો હતો. સમગ્ર મામલે વિધાર્થીઓ કે કોલેજ પ્રસાશન દ્વારા ફરિયાદ આપવામાં આવશે તો પ્રાથમિક તપાસ કરી કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
શું છે મામલો
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે ત્યાં જઈને વિદ્યાર્થીઓને અપશબ્દો કહીને તેમની સાથે મારા મારી કરી હોવાનો આક્ષેપ થયો છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અહીં પણ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થતી જોવા મળી હતી. સમગ્ર મામલે વિદ્યાર્થીઓ દ્વારા જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. ગર્લ્સ હોસ્ટેલમાં પણ ગાળાગાળી કરવામાં આવી. તેમાં એકથી બે લોકો ડ્રેસમાં પણ નહોતા અને દારૂના નશામાં ધૂત હતા. અમને દારૂની સ્મેલ પણ આવતી હતી. કોલેજના ડીન દ્વારા સમગ્ર મામલે વિદ્યાર્થીઓ પાસેથી લેખિતમાં ફરિયાદ મગાવવામાં આવી છે, આ બાદ તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે મળી આગળની કાર્યવાહી કરશે.
ADVERTISEMENT