શાર્દુલ ગજ્જર/પંચમહાલ: ગુજરાતમાં તાજેતરમાં જ શાળા પ્રવેશોત્સવ દરમિયાન IAS ડો. ધવલ પટેલના આદિવાસી વિસ્તારમાં શિક્ષણના નબળા સ્તર વિશેના પત્રથી હડકંપ મચી ગયો હતો. જે બાદ સરકાર દ્વારા બોર્ડર વિલેજના ગામડાઓમાં ખાસ ધ્યાન આપવા અને ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ અને વિકાસ, શિક્ષણ અને અન્ય બાબતોનો રિપોર્ટ લેવા માટે સૂચના આપી હતી. આ વચ્ચે પંચમહાલના ઘોઘંબા તાલુકાની સરકારી શાળામાં આજે એકાએક ડેપ્યુટી DDO દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં શાળામાં ગણિતના શિક્ષકને 200ના 5 ટકા કેટલા થાય તેનું પણ જ્ઞાન ન હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
ગણિતના શિક્ષક બેઝિક પ્રશ્નનો જવાબ ન આપી શક્યા
ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષણના કથળતા સ્તરની ફરી એકવાર પોલ ખુલી ગઈ છે. પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકામાં આવેલી જોજ પ્રાથમિક શાળામાં તાજેતરમાં ડે.DDO ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગણિતના શિક્ષકને સવાલ પૂછ્યો હતો કે, 200ના 5 ટકા કેટલા થાય? જોકે બાળકોને શાળામાં ગણિત વિષય ભણાવનારા શિક્ષકને એટલી પણ જાણકારી નહોતી કે 200ના 5 ટકા કેટલા થાય, જેના પરથી વિચારી શકાય છે કે બાળકોને શાળામાં કેવા પ્રકારનું શિક્ષણ મળતું હશે.
આ અંગે ડેપ્યુટી DDO એચ.ટી મકવાણાએ જણાવ્યું હતું કે, 5 જુલાઈના રોજ અમારી ટીમ ઘોઘંબા તાલુકામાં વિકાસના કાર્યો જોવા માટે ગઈ હતી, સાથે સાથે જોજ પ્રાથમિક શાળા, ભાદોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શાળાની મુલાકાત લીધી હતી. જેમાં જોજ શાળામાં મુખ્ય શિક્ષક શાળામાં હાજર હતા, પરંતુ તેમના પત્ની હાજર નહોતા. અહીં ગણિતના શિક્ષકને ગણિતના સામાન્ય ટકાવારીના પ્રશ્ન પૂછતા તેઓ સંતોષજનક જવાબ આપી શક્યા નહોતા. ત્યારબાદ ભાદોરા આરોગ્ય કેન્દ્રમાં ગયા તો ત્યાં ખાલી ચોકીદાર હતો અને કોઈ કર્મચારીઓ નહોતા. અહીંથી બાજુમાં આવેલી પ્રાથમિક શાળામાં ધો.7 અને 8ના વર્ગમાં ગયા.
ધો.7-8ના વિદ્યાર્થીઓને મોર-પોપટના સ્પેલિંગ ન આવડ્યા
તેમણે આગળ કહ્યું, અહીં બેઝિક લેવલના અંગ્રેજીના સ્પેલિંગ પંખો, દિવાલ, મોર, પોપટ વિશે પૂછતા એકપણ સ્પેલિંગ બાળકો બોલી શક્યા નહોતા. આવી સ્થિતિ અમને જોવા મળી હતી. આ અંગે DDOને રિપોર્ટ કરી દીધો છે અને આગળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT