કૌશિક કાંઠેચા/કચ્છ: દેશમાં એક જ ફોટા અને બનાવટી કસ્ટમર ફોર્મના આધારે બોગસ સીમકાર્ડ એક્ટિવ થતા હોવાનું દિલ્હી ટેલિ કોમ્યુનિકેશન વિભાગને ધ્યાને આવતા તાત્કાલિક ગુજરાત એટીએસને ડેટા આપવામાં આવ્યો હતો. જેથી એટીએસએ કાર્યવાહી માટે દરેક જિલ્લામાં SOGને યાદી મોકલતા તેના આધારે કાર્યવાહી કરીને કચ્છ જિલ્લામાં બોગસ સીમકાર્ડ ચાલુ કરનારા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રીટેલરો દ્વારા ગ્રાહકોના ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી કાર્ડ શરૂ કરાતા
એટીએસ દ્વારા રાજયમાં અલગ અલગ કંપનીના સીમકાર્ડનું વેચાણ કરતા ચોક્કસ રીટેઈલરો દ્વારા અન્ય વ્યક્તિના આઈડી પ્રુફમાં પોતાનો અથવા અન્ય વ્યક્તિનો ફોટો અપલોડ કરી વેચાણ કરાતું હોવાની બાતમી અપાઈ હતી. જેના આધારે ગાંધીધામ એસઓજીએ ડેટા એનાલીસીસ કરીને કંડલામાં મહેશ્વરી સોસાયટીમાં રહેતા લખમીર ઉર્ફે સમીર હુસેન ખાનને ઉઠાવી પુછપરછ કરતા તેણે કબુલાત આપી કે, બનાવટી આધારકાર્ડ બનાવીને તેમાં પોતાનો ફોટો અપલોડ કરી કસ્ટમર ફોર્મ બનાવીને 220 જેટલા સીમકાર્ડ એક્ટિવ કર્યા હતા. જેથી કંડલાના મોબાઈલ શોપ ધારકને પકડી તેની સામે મરીન પોલીસમાં વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરાવાયો હતો. આરોપીની પુછપરછમાં રાજસ્થાનના કોનરામાં રહેતા રહેમાન ખાનનું નામ ખુલ્યું છે.
ભૂજમાંથી પણ વોડોફોનનો સેલ્સ એક્ઝિક્યુટિવ પકડાયો
આ તરફ ગતરોજ ભુજ એસઓજીએ નલિયામાં મેઈન બજાર ખાતે ભાનુ મોબાઈલ સેન્ટર નામની દુકાનમાં આ બનાવ બન્યો હતો. આરોપી બંદીશ હરેશભાઈ કતીરાએ વર્ષ 2020 થી 2022 દરમ્યાન પોતે વોડાફોન કંપનીમાં ટેરેટરી સેલ્સ એક્ઝિકયુટીવ હોઈ હોદાનો ગેરલાભ લઈ ભાનુ મોબાઈલ નામની દુકાનમાં ડેમો સીમકાર્ડ પર ઓટીપી મેળવી મોબાઈલમાં રહેલા વોડાફોન સ્માર્ટ કનેક્ટ એપ્લીકેશનનો ઉપયોગ કરી સીમકાર્ડ લેવા આવતા ગ્રાહકોની જાણ બહાર તેમના ડોકયુમેન્ટનો છેતરપિંડી કરવાના ઈરાદે કસ્ટમર ફોર્મમાં ઉપયોગ કરી ફોટામાં ગ્રાહકોને બદલે પોતાની માતાના ફોટા ચોટાડી પ્રોફાઈલ સેટીંગમાં એજન્ટનો ફોટો બદલી પોતાની ફોટો અપલોડ કરી દીધી.
આમ ખોટા આધાર પુરાવા વોડાફોન કંપનીમાં આપીને બોગસ સીમકાર્ડ એક્ટિવ કર્યા હતા. જેથી તેની અટકાયત કરાઈ હતી. આરોપીએ 16 જેટલા સીમકાર્ડ એક્ટિવ કર્યા હતા. જેની વિરુદ્ધ નલિયા પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. હજુ પણ બન્ને જિલ્લાઓમાં એસઓજીની કામગીરી ચાલુમાં હોઈ વધુ આવા શખ્સો પકડાય તેમ છે.
ADVERTISEMENT