દીકરો દીકરી એક સમાન પણ ફક્ત બોલવા ખાતર!!!! બીજી વખત દીકરીને જન્મ આપતા સાસરિયાંના ત્રાસ થી પરણીતાએ આપઘાતનો કર્યો પ્રયાસ

અમદાવાદ: એક તરફ દેશભરમાં દીકરીને દીકરા સમાન ગણવામાં આવી રહી છે. દીકરીને લઈ અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. બીજી તરફ દીકરીના જન્મથી લઈ અને…

gujarattak
follow google news

અમદાવાદ: એક તરફ દેશભરમાં દીકરીને દીકરા સમાન ગણવામાં આવી રહી છે. દીકરીને લઈ અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. બીજી તરફ દીકરીના જન્મથી લઈ અને લગ્ન સુધી સરકાર અનેક યોજનાઓ તૈયાર કરી છે. આ દરમિયાન પણ દીકરીના જન્મને લઈ અનેક પરિવારો હજુ પણ નારાજ છે. ત્યારે આવી વધુ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. અમદાવાદમાં પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો તો સાસરીયાએ ‘અમારે તો દીકરો જોઇતો હતો પરંતુ તે આ પથરાને ક્યાંથી જન્મ આપ્યો’ તેમ કહીને પરિણીતાને મેણાં ટોણાં માર્યા હતા. બીજી વખત પણ દીકરીનો જન્મ થતાં સાસરિયાંએ ત્રાસ ગુજરાયો અને પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો.

રાજ્યમાં અનેક વખત દીકરીના જન્મને લઈ પરણીતા પર ત્રાસ ગુજારવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન અમદાવાદ શહેરના ઘી કાંટા વિસ્તારમાં રહેતી પરિણીતાએ બીજી વખત પુત્રીને જન્મ આપતા સાસરિયાંએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસરિયાંના ત્રાસથી કંટાળી પરણીતાએ મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

જાણો શું કહ્યું ફરિયાદમાં
પરણીતાએ  શાહપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં કહ્યુંકે, લગ્નના છ મહીના સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખી હતી. ત્યારબાદમાં તેના સાસુ – સસરા અને નણંદ ઘરકામની નાની નાની બાબતોને લઇને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પરિણીતાએ દીકરીને જન્મ આપતા તેના સાસરિયાએ તેને કહ્યું હતું કે, ‘અમારે તો દીકરો જોઇતો હતો પરંતુ તે આ પથરા ને ક્યાંથી જન્મ આપ્યો.’ બાદમાં પરિણીતા બીજી વખત ગર્ભવતી થતાં તેના સાસરિયા તેને અવાર નવાર કહેતા હતાં કે જો દીકરી જન્મશે તો તને ઘરમાં રાખીશું નહીં. પરંતુ પરિણીતાએ બીજી દીકરીને જન્મ આપતા તેના સાસરિયા કહેવા લાગ્યા હતાં કે, ‘આ તો દીકરીઓને જ જન્મ આપે છે, આને દીકરો અવતરે તેમ નથી, તેના કારણે આપણા કુળનો વારસો જળવાય તેમ નથી.

તારા ઘરમાં દીકરો અવતરવાનો કોઈ પ્રશ્ન જ નથી
સાસરિયાંએ બીજી વખત દીકરી આવતા પરણીતાને કહ્યું કે, તારા ઘરમાં તારી માંને પણ ત્રણ દીકરીઓ છે. તારી બેનને પણ દીકરી જ છે. તમારા ઘરમાં દીકરો અવતરવાનો કોઇ પ્રશ્ન ઉભો થતો જ નથી.’ તેમ કહીને તેને અપશબ્દો બોલી મારઝૂડ પણ કરતા હતાં. એટલું જ નહીં તેના સાસરિયા કહેવા લાગ્યા કે, તારી માએ દહેજમાં અમારી શાન મુજબ કાંઇ આપેલ નથી, જો તારે અહીંયા રહેવું હોય તો તારી માતા પાસેથી રૂપિયા પાંચ લાખ લઇ આવ તો જ તને રાખીશું, બાકી મારે તારી કોઇ જરૂર છે નહીં. પરિણીતાનો પતિ તેની સાથે મારઝૂડ પણ કરતો હતો.

આ પણ વાંચો: રશિયાની યુવતીને લાગ્યો હિંદુ ધર્મનો રંગ, સાધ્વી બની ભવનાથમાં ધૂણી ધખાવી

શારીરિક અને માનસિક ત્રાસ થી ફિનાઇલ પી લીધું
આમ અવાર નવાર શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફીનાઇલ પી લીધું હતું. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, તેના સાસરિયાએ હોસ્પિટલનો ખર્ચો આપવાની પણ ના પાડી દીધી હતી. આમ પરિણીતાને દહેજના પૈસા લીધા વગર રાખવાની ના પાડતા તે તેની માતા સાથે પિયરમાં રહેવા આવી હતી. જો કે, તેના સાસરિયા તેને તેડી ના જતાં અંતે કંટાળીને પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp