Gandhinagar News: ગુજરાત પર પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. રાજ્યમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી મુજબ રવિવારે રાતથી જ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને કારણે શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરી છે. રાજ્યના 33માંથી 28 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતીમાં કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલે પણ કરી ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, 28મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30મી ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.
પશ્ચિમ અમદાવાદ પણ પાણી-પાણી
અમદાવાદના ગુરુકુળ, સુરધારા સર્કલ, મેમનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, પ્રહલાદ નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. તો પૂર્વમાં મેમ્કો, બાપુનગર, નિકોલ, વસ્ત્રાલ, જશોદાનગર, સીટીએમ, ઘોડાસર, હાટકેશ્વર, ખોખરામાં પણ અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા.
કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો?
શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદના પગલે 25 જેટલા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. વરસાદના આંકડા પર નજર કરીએ તો નરોડા, મણીનગરમાં 6-6 ઈંચ, સાયન્સ સિટી, ગોતા, ઓઢવમાં 4-4 ઈંચ, ઉસ્માનપુરા, પાલડી, વાસણા, બોડકદેવ, જોધપુર, સરખેજ, રાણીપ, વેજલપુર સહિતના વિસ્તારમાં 3-3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણીની આવક થતા વાસણા બેરેજના 5 ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT